અમદાવાદઃ દેશમાં અતિ મહત્ત્વની અને અઘરી ગણાતી મેડિકલ અને ડેન્ટલ એજ્યુકેશન માટે લેવાતી NEET (National Eligibility cum Entrance Test)નું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે. તબીબી શિક્ષણ માટેની આ સ્પર્ધાત્મક પરીક્ષામાં નડિયાદના હેત શાહે દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. બીજા ક્રમાંકે એકાંશ ગોયલ છે જ્યારે ત્રીજો ક્રમ નિખિલ બાજીયાએ મેળવ્યો છે.
મેડિકલ અને ડેન્ટલ એજ્યુકેશન માટે આ વર્ષે NEET ફરજિયાત કરવામાં આવી છે ત્યારે વિવાદો વચ્ચે આ પરીક્ષા પહેલી મે અને ૨૪મી જુલાઈ એમ બે વખત લેવાયેલી હતી. મે મહિનામાં કુલ ૬ લાખ વિદ્યાર્થીઓએ અને ૨૪મી જુલાઈએ કુલ ૪ લાખ વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. જેમાંથી ૪,૧૦,૬૬૧ વિદ્યાર્થીઓએ નીટ સફળતાપૂર્વક પાસ કરી છે અને ગુજરાતમાં આવેલા નડિયાદનો હેત શાહ દેશમાં પ્રથમ આવતાં નડિયાદમાં હર્ષની લાગણી છવાઈ છે.
હેતે નીટમાં ૭૨૦માંથી ૬૮૫ માર્કસ મેળવ્યા છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને પોતાના પરિણામ વિશે જણાવતાં હેતે કહ્યું હતું કે, મેં જ્યારે નીટની એક્ઝામ આપી એ પછી ઘરે આવીને મેં બધા જ આન્સર્સ ચેક કરી જોયા હતા અને મારા માર્ક્સની ગણતરી કરી જોઈ હતી. તે વખતે જ મને આશા હતી કે હું ટોપ ટેનમાં સ્થાન મેળવીશ.
લક્ષ્ય હતું એઈમ્સ
પરિણામ જાહેર થયા પછી મને ખબર પડી કે હું નીટમાં પ્રથમ છું ત્યારે તો મને ખૂબ જ ખુશી થઈ હતી કે મને જ્યાં એડમિશન જોઈએ છે એ દિલ્હીની એઈમ્સમાં મને એડમિશન મળી જશે. હેતે નીટમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે સાથે સાથે AIIMS (All India Institute of Medical Sciences) એન્ટ્રેન્સમાં પણ ચોથો રેન્ક મેળવ્યો છે અને હેત આગળનું તબીબી શિક્ષણ દિલ્હીમાં આવેલી AIIMSમાંથી મેળવવાનો છે.
અનાજના હોલસેલના વેપારી સંજયભાઈ શાહનો પુત્ર હેત મેડિકલમાં સારી કારકિર્દી ઘડી શકે તે માટે રાજસ્થાનના કોટામાં તેનાં માતા સ્વાતિબહેન સાથે ભાડાના મકાનમાં રહીને અભ્યાસ કરતો હતો. કોટાના કોચિંગ ક્લાસમાં હેત રોજના છથી સાત કલાકનો અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત રોજ ચારથી પાંચેક કલાક જાતે જ અલગ અલગ મેડિકલને લગતી બુક્સ વાંચતો હતો. છેલ્લા બે વર્ષથી હેતે વોટ્સએપ અને ફેસબુકનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. ટ્યુશને જાય ત્યારે માત્ર સાદો મોબાઈલ ફોન લઈ જતો હતો. જેથી તેનાં મમ્મી સાથે સંપર્કમાં રહી શકે.
ન્યૂરોસર્જન બનવાની ઈચ્છા
AIIMSમાં એડમિશન મેળવીને નિરાંત અનુભવતો હેત કહે છે કે, સાડા પાંચ વર્ષ સુધી મેડિકલમાં ગ્રેજ્યુએશનના અભ્યાસ બાદ હું ન્યૂરોલોજીમાં સ્પેશ્યાલિસ્ટ બનવા માગું છું. એના માટે હું અત્યારથી જ કેટલાક નામાંકિત ન્યૂરોસર્જન પાસે માર્ગદર્શન પણ મેળવી રહ્યો છું. હેતને ધોરણ ૧૦માં ૯૮ ટકા અને ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯ ટકા આવ્યા હતા. તેણે નડિયાદ અને આણંદની સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ ધોરણ ૧૧ અને ૧૨નો અભ્યાસ કોટાની સ્કૂલમાંથી કર્યો હતો. કોટામાં જ કોચિંગ મેળવીને તે નીટમાં ટોપર બન્યો છે.