વડોદરા: ન્યુ આઇપીસીએલ રોડની ગાંધીનગર સોસાયટીમાં રહેતા ઈજનેર મિતેષ વાઘેલા ૧૪ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. ડિવોર્સી મિતેષે બીજા લગ્ન માટે વર્ષ-૨૦૧૬માં મેટ્રિમોનિયલ સાઇટ પર ડિવોર્સી તરીકે પ્રોફાઇલ મૂકી હતી. તેથી મુંબઈમાં મોડેલિંગ ક્ષેત્રે સંકળાયેલી યુવતી તેના સંપર્કમાં આવી હતી. આ યુવતીએ પોતાનું નામ બદલીને ડિવોર્સી હોવાનું દર્શાવી મિતેષ સાથે વડોદરામાં લગ્ન કર્યાં હતાં. એ પછી હોટલના ખર્ચા, અંગત ખર્ચ તેમજ અમેરિકા આવવા-જવાનો ખર્ચ કરાવી રૂ. ૧૫થી ૨૦ લાખ ખંખેર્યા હતા.
મિતેષના પિતા રમણભાઇ વાઘેલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, અમેરિકામાં અલાબામામાં એચ૧બી વિઝા પર ગયા બાદ યુવતીએ તેના ડિવોર્સ થયા નહીં હોવાની કબૂલાત કરી હતી. મારા પુત્ર મિતેષે તેની સાથે રહેવાનો ઇનકાર કરતાં તેણે અમેરિકાની પોલીસ સમક્ષ મારા પુત્ર સામે ફરિયાદ કરી હતી. જેથી મારા પુત્રને મજબૂરીથી તેની સાથે રહેવું પડયું હતું. આ દરમિયાન યુવતી મિતેષને શારીરિક
સબંધો રાખવા પણ ઓફર કરતી હતી. અમેરિકામાં પણ મિતેષને પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં રહેવું પડ્યું હતું.
અમેરિકા ગયા બાદ મુંબઈની યુવતીના ડિવોર્સ નહીં થયા હોવાની અને તેના પતિ તેમજ સંતાન સાથે જ મુંબઈમાં રહેતી હોવાની વિગતો બહાર આવતા મિતેષ અને યુવતી વચ્ચે તકરાર થઈ હતી. મિતેષ વડોદરા આવતાં યુવતી પણ આવી હતી અને તેણે મિતેષ સામે મુંબઇમાં રેપની ફરિયાદ નોંધાવતા પોલીસ મિતેષને લઇ ગઇ છે. કારેલીબાગ પોલીસે રમણભાઇની ફરિયાદના આધારે યુવતી સામે છેતરપિંડી કરી રૂપિયા પડાવવા બદલ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્, ૨૦૧૯માં પણ સુરતના ડોક્ટર વિરુદ્ધ આ જ યુવતીએ રેપની ફરિયાદ કરી હતી.