બારડોલી: કામરેજ તાલુકાના સેવણી ગામે લગ્ન કરવા આવેલા અમેરિકા સ્થિત પટેલ પરિવારના પુત્રએ રિક્ષામાં વરઘોડો કાઢતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સેવણી ગામના વતની વિઠ્ઠલભાઈ કેશવભાઈ પટેલના દીકરા શિવના લગ્ન બારડોલી તાલુકાના રાણીરાજપરા ગામે રહેતા રાજેન્દ્ર જગુભાઈ પટેલની દીકરી ઉર્વી સાથે નક્કી થયા હતા. રાજેન્દ્ર પટેલ પરિવારના લગ્ન લેઉઆ પાટીદાર સમાજની વાડીમાં હતા. બીજીએ નિર્ધારિત સમયે વિઠ્ઠલભાઈ પટેલના પરિવારે શિવની જાનનું પ્રસ્થાન કડોદ રોડ ઉપર આવેલી સરદાર વિલા સોસાયટીથી કરાવ્યું હતું. વરરાજા શિવ અને પરિવારના ૨૪ સદસ્યો માટે કુલ ૧૨ ફૂલોથી શણગારેલી રિક્ષા આવી હતી. જ્યારે જાનૈયા શણગારેલી બસમાં બેઠા હતા.
શિવ તથા પરિવારના સદસ્યો ૧૨ રિક્ષામાં બેસીને લગ્નમંડપ પર પહોંચતાં મહેમાનોમાં પણ અચરજ ફેલાયું હતું. ધનાઢ્ય એનઆરઆઈ પરિવારની જાન તો બીએમડબલ્યુ કે ઓડી કારમાં હોઈ શકે જ્યારે એક સાથે શણગારેલી રિક્ષામાં વરરાજા અને પરિવાર લગ્નમંડપમાં પહોંચ્યો હતો.
શિવના પિતા વિઠ્ઠલભાઈ અને માતા રેખાબહેને કહ્યું હતું કે, અમેરિકામાં જ્યારે લગ્નની તૈયારી ચાલતી હતી ત્યારે શિવે રિક્ષામાં વરઘોડો કાઢવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે પરિવારમાં ચર્ચા થતા લગ્નની જાન રિક્ષામાં લઈ જાય તો રિક્ષાચાલકોને પણ રોજગારી મળી શકે અને કંઈક ચેન્જ પણ મળી શકે જેથી શિવની ઈચ્છા મુજબ બારડોલીથી ૧૨ જેટલી રિક્ષા ભાડે લઈ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. શિવનો પરિવાર અમેરિકાના ઓકલોહામાના પોન્ટ્સવેલીમાં સ્થાયી થયેલો છે.