NRI સરપંચ ઓર્ગેનિક વેસ્ટમાંથી ગેસ બનાવી ગામને આપશે

Wednesday 09th March 2016 07:53 EST
 
 

વડોદરાઃ આણંદથી ૨૦ કિમીના અંતરે આવેલા થામણામાં એનઆરઆઇ સરપંચ ચંદ્રકાન્ત મુખીએ ગામમાં પોતાના સીએનજી સ્ટેશનની કલ્પનાને સાકાર કરી બતાવી છે. ભારતમાં મોડેલ ગામ બની રહેલા થામણાના સરપંચ ચંદ્રકાન્ત મુખીએ જણાવ્યું હતું કે, સાતેક વર્ષ પહેલાં ગામના ખેડૂતોની થામણા બાયોપાવર એન્ડ ઓર્ગેનિક પ્રોડ્યુસર કંપની લિ. બનાવાઈ હતી. પ્રોજેક્ટ માટે ગ્રામ વિકાસ નિગમે આપેલી ટેક્નોલોજી નિષ્ફળ નીવડતાં કંપનીને રૂ. ૩૨ લાખનું નુક્સાન થયું હતું. આટલું મોટું નુકસાન થયું થયું હોવા છતાં અમે હિંમત હાર્યા નહીં અને પ્રોજેક્ટને નવેસરથી શરૂ કર્યો. સર્વપ્રથમ આરસીસીનો લોંગલાઇફ ધરાવતું ડાયજેસ્ટર તૈયાર કર્યું. જેની અંદર વેસ્ટમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થશે અને મિથેન ગેસને સીએનજીમાં રૂપાંતરિત કરાશે.
પ્રોજેક્ટ હેઠળ ગામમાંથી પશુઓના છાણ, ગ્રીન એગ્રીકલ્ચર વેસ્ટ, કીચન ઓર્ગેનિક વેસ્ટ જેવો સાત ટન ઉપરાંત ઓર્ગેનિક વેસ્ટ દરરોજ એકત્ર કરાશે. ૧૧૦૦થી વધુ ખેડૂતો અને ગામવાસીઓ ગામના રહીશો પાસેથી ડોર ટુ ડોર ઉઘરાવશે. ઓર્ગેનિક વેસ્ટમાંથી ઉત્પન્ન થનાર સીએનજી ગેસ ગામના ૭૦ જેટલા સીએનજી વાહનધારકોને અપાશે. બે મહિનામાં પ્લાન્ટ કાર્યરત થઇ જશે.
સ્લરીનું ખાતર
સીએનજી તૈયાર કરવાની પ્રક્રિયામાં વેસ્ટમાં નીકળતી સ્લરીનો ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે.
CNGમાંથી વીજળી
ગામના સીએનજી વાહનધારકોને સીએનજી આપ્યા બાદ વધેલા સીએનજીમાંથી વીજળી ઉત્પન્ન થશે. વીજળી વાજબી ભાવે ખેડૂતોને અપાશે.
૮૦૦ કિલો CNG
સૌપ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ક્રશરમાં પછી મિકસર અને મિકસરમાંથી ડાયજેસ્ટરમાં બધો કચરો નંખાશે. આરસીસીના ડાયજેસ્ટરમાં મિથેન ગેસ ઉત્પન્ન થશે જેને રિફાઇનરી નાંખતા કોમ્પ્રેશરથી સીએનજી ગેસ મેળવી શકાશે. દરરોજ સાત ટન વેસ્ટમાંથી ૮૦૦ કિલો સીએનજી ગેસનું ઉત્પાદન થવાનો અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter