નડિયાદઃ ડાકોરના રણછોડરાય મંદિર પરિસરમાં ૪૫ વર્ષથી ભીખ માગીને જીવતા વૃદ્ધ સૂરદાસ ભિક્ષુક ભગવાનદાસ શંકરલાલ જોષી તાજેતરમાં બ્રહ્મચોર્યાસી કરી હતી અને ૨૪૦૦ બ્રાહ્મણોની નાત જમાડી હતી. ભગવાનદાસ હંમેશાં સવારે ૪ વાગ્યે મંગળાઆરતીથી જ ડાકોર મંદિરના કોટના દરવાજે આવીને ઊભા રહે છે. જાતજાતના ભજનો લલકારે છે અને ભીખ માગે છે. તેઓ ગોપાલપુરા વિસ્તારના એક મકાનમાં ભાડે રહે છે. તેમણે હોળી પછી અને જનતા કર્ફ્યુ પહેલાં ડાકોરમાં રહેતા સમસ્ત બ્રાહ્મણોને જાહેર આમંત્રણ આપીને સ્વેચ્છાએ ભોજન કરાવ્યું હતું.
ભગવાનદાસ મૂળે બનાસકાંઠાના ભાખરી ગામના છે. તેઓ ચાર ભાઈઓ છે, પરંતુ નાનપણથી જ નેત્ર ન હોવાથી ભગવાનદાસનો સંસારમાંથી રસ ઊડી ગયો હતો. આથી તેઓ સંજોગોવશાત્ ડાકોર આવી ચડ્યા હતા અને ડાકોર જ રોકાઈ ગયા. ભગવાનદાસ કહે છે કે, હું ૪૫ વર્ષથી અહીં છું. રણછોડરાયના મંદિરમાં ભગવાન ભજતા ભજતા ભીખ માગીને જે કમાયો તેનું તર્પણ આ જ ગામમાં કરવાનું નક્કી કર્યું હતું. વળી ગામના કેટલાય બ્રાહ્મણોને ત્યાં જાતભાતના પ્રસંગે જમી આવ્યો છું. આખી જિંદગી મેં જેમનું ખાધું હોય એમને મારે પણ ક્યારેક તો જમાડવા જ પડે. આવા વિચારે જ મેં ડાકોરના ટાવર ચોકમાં જાહેર આમંત્રણ આપતું બોર્ડ મૂક્યું હતું અને પથિકાશ્રમની આંબાવાડીમાં ડાકોરના બ્રાહ્મણોને દાળ-ભાત, શાક, લાડુનું ભોજન કરાવ્યું હતું. આ બ્રહ્મચોર્યાસીમાં ત્રિવેદી, મેવાડા, તપોધન, શ્રીગોળ, ખેડાવાળ જેવા ચોર્યાસી જાતના બ્રાહ્મણો જમવા આવતા હોવાથી તેને બ્રહ્મચોર્યાસી કહે છે. બ્રાહ્મણોની આ નાતમાં અઢી હજાર બ્રાહ્મણો જમ્યા હોવાનો મને સંતોષ છે.
ડાકોરના અગ્રણી બ્રાહ્મણ રાકેશભાઈ તંબોળી જણાવે છે કે, ભગવાનદાસ દેશી ભજનોના લોકપ્રિય ગાયક પણ છે. જન્મથી સૂરદાસ ભગવાનજીને એક હજાર જેટલા ભજનો કંઠસ્થ છે. ડાકોર મંદિરમાં કોઈ પણ ધજા ચઢાવવા આવે એટલે એ ભક્ત સમુદાયની આગળ ભગવાનદાસ ભજન લલકારતા ચાલતા જ હોય. ડાકોરના રંગઅવધૂત ભજન મંડળના તેઓ સ્ટાર ગાયક છે.