વડોદરા: વિશ્વની અગ્રણી આઇટી કંપની વિપ્રોના ચેરમેન અને ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ વડોદરાની ૪૦૦ કરોડ ટર્ન ઓવર કરતી બેસ્ટ વેલ્યુ કેમ પ્રા.લિ. કેમિકલ કંપની ખરીદી હોવાના અહેવાલ છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીની પ્રેમજી ઇન્વેસ્ટ દ્વારા કેમિકલ કંપનીને ટેક ઓવર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ બેસ્ટ વેલ્યુ કેમ પ્રા.લિ. (BVCPL)ના ૯૫ ટકા શેરનો હિસ્સો ખરીદ્યો છે. હવે પ્રેમજી ઇન્વેસ્ટ દ્વારા વડોદરાની બેસ્ટ વેલ્યુ કેમ પ્રા.લિ. કંપનીનું સંચાલન કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. બેસ્ટ વેલ્યુ કેમ પ્રા.લિ. ફ્રેગનેન્સ અને ફલેવર ઇન્ગ્રીડિઅન્ટ્સનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપની છે. લગભગ બે દાયકા જૂની આ કંપની અરોમા કેમિકલ્સનું ઉત્પાદન કરે છે.
વર્ષ ૨૦૦૦માં વડોદરાથી ૫૦ કિમી દૂર પાદરા તાલુકાના કરખડીમાં તેનો નવો પ્લાન્ટ શરૂ કરાયો હતો. પાદરાના મોક્સી ખાતે આ કંપીનીનો ઓપરેશનલ પ્લાન્ટ છે. બેસ્ટ વેલ્યુ કેમ પ્રા. લિ. કંપની ૮૦ ટકા કેમિકલ વિવિધ દેશોમાં એક્સપોર્ટ કરે છે. જેમાં અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જિનેવા, મેક્સિકો, જર્મની, બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે. બેસ્ટ વેલ્યૂ કેમ પ્રા. લિ કંપનીમાં આ અગાઉ બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને અગ્રણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સંજય પટેલ સહિત તેમના પરિવારનું જંગી રોકાણ હતું.