અનૂપમ મિશન, બ્રહ્મ જ્યોતિ, મોગરીમાં આવેલા સંત આવાસ ‘પરિમલ’માંથી રવિવારે સવારે અક્ષરનિવાસી સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાનાં પાર્થિવ દેહને નવવ્રતધારી યુવાન સંતોએ સુશોભિત રથ પર પધરાવ્યો અને પાર્થિવ દેહને બ્રહ્મજ્યોતિનાં પ્રાસાદિક તીર્થસ્થાનોની પરિક્રમા કરાવી. આખા પ્રદક્ષિણા પથ પર રોડની ડાબી તરફ ભાઈઓ અને બહેનો ઊભા હતા. જપયજ્ઞ કરી, જયનાદ સાથે અંતિમ યાત્રાનો આરંભ થયો તે સાથે જ સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાને અત્યંત પ્રિય કીર્તન ‘સાધુ રે સાધો...’ સંગીત રથમાંથી રેલાયું. કીર્તનનાં શબ્દો સાંભળતા જ હૈયું તેઓની સ્મૃતિમાં રડી ઉઠ્યું. જેમ જેમ રથ આગળ વધતો ગયો તેમ સૌને સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાનાં દર્શન નજીકથી થયા. તેમનાં મુખારવિંદ પર એ જ નીરવ શાંતિ રમતી હતી. સોહામણી મુખાકૃતિ જૂની સ્મૃતિમાં ઘેરી લેતી હતી. હસ્તમાં શોભતી માળા તેમની અવિરત પ્રાર્થનાની યાદ અપાવતી હતી. સૌનાં મન દ્રવી ગયા.
સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાને પ્રિય તેવા સફેદ રંગના વસ્ત્રો પરિધાન કરી હજારો ભક્તો, સ્નેહીઓ આ યાત્રામાં પૂર્ણ શિસ્ત અને વિવેક સાથે જોડાયા. આંખો અશ્રુ અને હૈયા ભાવથી ભીના હતા. પરિમલ, પારમિતા, આવકાર ભવન, યોગી પ્રસાદ, ઉપાસના, સોનામૃત, મંદિરજી, ભક્તિ પ્રસાદ, તીરથ, હૃદયકુંજ, યોગીનિર્ઝર આદિ પ્રાસાદિક સ્થાનોનાં સર્જનમાં સદગુરુ સાધુ પ.પૂ. શાંતિદાદાનું મહદ પ્રદાન હતું તેથી અંતિમ દર્શન યાત્રા આ સઘળા સ્થાનો પાસેથી પસાર થઈ. ત્યારબાદ સંતોએ સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાનાં પાર્થિવ દેહને સૌ કોઈ દર્શન કરી શકે તે રીતે સમાધિ સ્થાને પધારાવ્યો. આ સ્થળે ભક્તોનું પૂર ઊમટ્યું હતું. નજર પડે ત્યાં સ્નેહીઓ-ભક્તોનો મહેરામણ દેખાતો હતો. કંઈક કેટલાક તો પરદેશથી પધાર્યા હતા. કેટલાક ભક્તો તો હજી પરદેશ પહોંચ્યા જ હતા ને આ સમાચાર મળતા પરત ભરત આવ્યા. કેટલાય પરદેશના ભક્તોએ પોતાની ટિકિટ રદ કરીને રોકાઈ જવાનું નક્કી કર્યું. ચાલી ન શકે તેવા વૃદ્ધો, બોલી-સમજી ન શકે તેવા બાળકો પણ આ અંતિમ દર્શનનો, શ્રદ્ધા સુમનનો લાભ લેવા દૂર દૂરથી પધાર્યા. અનેક વિપરીત પરિસ્થિતિને અવગણીને ભાઈઓ-બહેનો આ પ્રસંગે હાજરી આપવા, સેવા-દર્શનનો લાભ લેવા પધાર્યા. યુવાન સંતો, યુવાનો-યુવતીઓ અને બાળકોના આર્દ્ર હૈયાનો પોકાર અશ્રુના ધોધ સ્વરૂપે વહી રહ્યો હતો. અનુપમ મિશનનાં સત્સંગ સમાજને જે ખોટ પડશે તેની કલ્પના સંતો પણ કરી રહ્યા હતા અને તેથી જ તેમના રૂદિયા પણ ભરાઈ આવ્યા હતા.
સર્વપ્રથમ અનુપમ મિશનનાં વિવિધ કેન્દ્રોના સંતો અને મંડળોના પ્રતિનિધિ ભક્તોએ મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ ઉપસ્થિત સંતો-અક્ષરમુક્તોએ પુષ્પો, પુષ્પમાળા, પુષ્પ ચાદર, શાલ, સુખડના હાર સહિત સાથે શ્રદ્ધાંજલિ અર્પી. તો અનુપમ સૂરવૃંદનાં સંતો-યુવાનોએ ભાવવાહી કીર્તન રેલાવી કીર્તન અંજલિ અર્પણ કરી. સમગ્ર વિધિનું જીવંત પ્રસારણ કરાયું, જેનો દેશ-વિદેશના સેંકડો પરિવારોએ દર્શન લાભ લીધો. સંતોની દોરવણીમાં સ્વયંસેવકોની સૂચના અનુસાર સૌએ ખૂબ વિવેકથી ગરિમા સચવાય તેમ સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાને ભાવવંદના અર્પી.
આ પ્રસંગે હરિધામ-સોખડાથી પૂ. પ્રેમસ્વરૂપ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. દાસસ્વામી અને સંતો, સમઢીયાળાથી પૂ. નિર્મળસ્વામી અને સંતો, સંકરદાથી પૂ. બાપુસ્વામી અને સંતો, યોગી ડિવાઇન સોસાયટી- શિકાગોથી પૂ. દિનકરભાઈ અને વ્રતધારી સંતો, પવઈથી પૂ. ભરતભાઇ, પૂ. વશીભાઈ અને સંત ભાઈઓ, ગુણાતીત જ્યોતથી પૂ. હંસાદીદી, પૂ. દેવીબહેન અને સંતબહેનો સહિત ગુણાતીત સમાજની બધી સંસ્થાના સંતો, સંત બહેનો, વ્રતધારી સંતો, અક્ષરમુક્તો તેમજ વિખ્યાત ભાગવત કથાકાર પૂ. ભૂપેન્દ્રભાઈ પંડયાજી, ભાગવત વિદ્યાપીઠ-સોલાથી પૂ. ભાગવત ઋષિજી તથા અન્ય ધાર્મિક અને સામાજિક, શૈક્ષણિક સેવારત સંસ્થાઓના પ્રતિનિધિઓ, મહાનુભાવો આદિ પણ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા. સુવ્યવસ્થિત આયોજનના પરિણામે ઉપસ્થિત સૌ કોઈને પુષ્પાંજલિ અર્પણ કરવાનો મોકો મળ્યો.
સદગુરુ સાધુ પૂ. મનોજદાસજી, પૂ. હંસાદીદી, પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી, પૂ. નિર્મળજીવન સ્વામીજીએ આશીર્વાદ વરસાવી સૌને બળ સિંચ્યું. સદગુરુ પૂ. અશ્વિનદાદાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો અને સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાને હૈયે પ્રગટ રાખવાનો સંદેશ આપ્યો. પૂ. શાંતિદાદાનાં પ્રેમને વિસ્તારી, તેઓના ઉપદેશને જીવન બનાવી, તેઓના ગુણને ગ્રહણ કરી સર્વત્ર પ્રસારવવા સમજ આપી. સંતભગવંત સાહેબજીએ ગદગદ કંઠે સંસ્મરણો વાગોળીને આશીર્વાદ વરસાવ્યા. સૌને સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાનાં મહિમામાં ગરકાવ કર્યા અને તેમના કાર્યને, પ્રેમને વહેતું રાખવા હાકલ કરી.
સદગુરુ સંતોએ પૂ. શાંતિદાદાનાં પાર્થિવ દેહનું પૂજન કરી અક્ષર ડેરી-ગોંડલથી સંતોએ મોકલાવેલ શ્રી હરિકૃષ્ણ મહારાજને પૂ. મહંતસ્વામીએ ધરાવેલ પ્રસાદીનાં જળ અને કંઠી અર્પણ કર્યા. અંતે પૂ. મનોજદાસજીએ માટીનું અગ્નિ પાત્ર ધાર્યું, સંતભગવંત સાહેબજી, સદગુરુ સંતો અને સંતોએ પૂ. શાંતિદાદાનાં પાર્થિવ દેહને બ્રહ્મલીન સ્થળ સુધી કાંધ આપી. સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદા, પૂ. મનોજદાસજી, પૂ. અશોકદાસજી, સાધુ પૂ. હિંમતસ્વામીજી, સાધુ પૂ. અરવિંદદાસજીએ અગ્નિદાહ અર્પણ કર્યો.
પૂ. શાંતિદાદાનો આત્મા અક્ષરધામ સિધાવ્યો, પરંતુ સૌના હૈયે વસી જ ગયા તેવી સૌને અનુભૂતિ થઈ. સદગુરુ સાધુ પૂ. શાંતિદાદા જાણે સૌ સંતોમાં પ્રગટ્યા હોય તેવા દર્શન થયા. સદગુરુ સાધુ પૂ. શાંતિદાદા જેવો પ્રેમ વરસાવતા તેવો જ પ્રેમ સૌ સંતો ઉપસ્થિત ભક્તોને આપી રહ્યા હતા. અંતરના પરમ ભક્તિભાવથી સાધુતાની પરમ મૂર્તિ સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાને અંતિમવંદના અર્પણ કરાઇ.