વડોદરાઃ કાશ્મીર સરહદે શહીદ વડોદરાના આરિફ પઠાણના પિતા કહે છે કે મારા દીકરા આરિફે દેશની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપી છે. મને જુવાનજોધ દીકરો ગુમાવ્યાનું દુઃખ તો છે જ પણ સાથે સાથે તેની શહીદીનો ગર્વ પણ છે. નવાયાર્ડના અમનપાર્કમાં આવેલા તેમના મકાનની બહાર પંડાલમાં આરિફની તસવીર મુકાઈ હતી. પિતા સફી આલમની આસપાસ ભલે સેંકડો લોકોની ભીડ હોય પણ તેમને દીકરાની ગેરહાજરી વર્તાઈ રહી છે. તેઓ જણાવે છે કે, આરિફને સેનામાં જોડાવાનો બાળપણથી જ શોખ હતો. તે નાનો હતો ત્યારે હું રાજસ્થાનના કોટામાં રેલવેના ટેરિટોરિયલ આર્મીમાં નોકરી કરતો હતો. મને હજીય યાદ છે કે હું જ્યારે નોકરી પરથી ઘરે આવું ત્યારે મારો યુનિફોર્મ પહેરીને કહેતો પપ્પા મારે પણ આર્મીમાં જવું છે. અમે જ્યારે વડોદરા રહેવા આવ્યા ત્યારે તેણે આર્મીમાં જોડાવવા માટે ફિઝીકલ ટ્રેનિંગ શરૂ કરી. એ પહેલેથી જ ખેલકુદમાં અવ્વલ અને ભણવામાં હોંશિયાર હતો એટલે મને એવું લાગતું કે તે ચોક્કસ આર્મીમાં જશે. એક વખતે તેણે મને કહ્યું કે પપ્પા, બસના ભાડાના પૈસા આપો મારે બહેનને મળવા મહેસાણા જવું છે. મને યાદ છે કે તે વખતે મેં તેને ૨૦૦ રૂપિયા આપ્યા હતા. આ પૈસા લઈને તે બસમાં બેસીને મહેસાણા ગયો અને અને કહ્યા વિના જ આર્મીના ભરતી મેળામાં પહોચી ગયો. સદનસીબે તેનું સિલેક્શન પણ થઈ ગયું. ઘરે આવીને તે મને પગે લાગ્યો અને કહ્યું કે પપ્પા હું આર્મીમાં સિલેક્ટ થઈ ગયો છું. એ દિવસે તે ખુબ જ ખુશ હતો અને મિત્રોને ફોન કરીને ખુશખબર આપી રહ્યો હતો. આર્મીમાં જોડાયા પછી તેની ટ્રેનિંગ જબલપુરમાં થઈ. ટ્રેનિંગ દરમિયાન રાયફલ શૂટિંગમાં તે હંમેશા અગ્રેસર રહેતો હતો. જેથી જમ્મુ-કાશ્મીરમાં ઈન્ફ્રન્ટી રેજિમેન્ટ દ્વારા તેને બેસ્ટ શૂટર તરીકેનું કેપ્ટન વિક્રમ બત્રા મેડલ પણ અપાયો હતો. બે દિવસ પહેલાં એટલે કે રવિવારે તેની સાથે ફોન પર વાત થઈ હતી. તે કહેતો હતો કે પપ્પા હું મજામાં છું. અહીં રહેવા જમવાની કોઈ તકલીફ નથી. તે વખતે તેણે કહેલું કે, પપ્પા પછી ફોન કરીશ. હું તેના ફોનની રાહ જોતો હતો. બીજે જ દિવસે વારે તેને ત્યાંથી ફોન તો આવ્યો પણ આ વખતે તેને બદલે તેના સાહેબ વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આરિફને ગોળી વાગી છે અને અમે તેને હેલિકોપ્ટરમાં ઉધમપુર હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. અડધો કલાકમાં ખબર આવી કે આરિફ શહીદ થઈ ગયો છું. હું મારા વતનમાં હતો અને મારી સાથે મારો મોટો દીકરો હતો.