વડોદરાઃ વડા પ્રધાન સાંજે વિવિધ સંપ્રદાયના સંતો-મહંતોને વ્યક્તિગત મળ્યાં હતા. આ સમયે એક સંતે વડા પ્રધાનને કહ્યું હતું કે, હું ફકીર છું, સમ્રાટને મળવા આવ્યો છું. પ્રત્યુત્તરમાં વડા પ્રધાને સંતને કહ્યું હતું કે, હું પણ સમ્રાટ નહીં, ફકીર છું... આપ સર્વેની પ્રાર્થના અને મારો પુરુષાર્થ દેશને નવી ઊંચાઇ પર લઇ જશે.
૨૨ ઓક્ટોબરે સાંજે વડોદરા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગની વીવીઆઇપી લોન્જમાં વડા પ્રધાન સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરૂપ્રસાદ સ્વામીજી, સુચેતન સ્વામીજી, સનાતન સ્વામીજી અને વંદન સ્વામીજીને મળી પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પીઠના દુઃખાવાની તકલીફ અંગે પૃચ્છા કરી હતી. સંતોએ વડા પ્રધાનને કહ્યું હતું કે, તમારી મહેનતના ફળસ્વરૂપે ભારત નૈતિક-આધ્યાત્મિક ક્ષેત્રે સ્વર્ગ બનશે. રામકૃષ્ણ મિશનના નિખિલેશ્વરાનંદ સ્વામીજીએ વડા પ્રધાનને કહ્યું હતું કે, હું તો ફકીર છું, સમ્રાટને મળવા આવ્યો છું. ત્યારે પ્રત્યુત્તરમાં મોદીએ જણાવ્યું હતું કે, હું સમ્રાટ નહીં, ફકીર જ છું. આ પછી તેમણે આત્માસ્થાનંદ સ્વામીજીની તબિયત સંદર્ભે પૃચ્છા કરી હતી.
બાદમાં વડા પ્રધાને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને પૂ. જીજીના નિત્યલીલા પ્રવેશનો ખેદ વ્યક્ત કરી આશ્વાસન આપતા કહ્યું હતું કે, દેશને પૂ. જીજીની આધ્યાત્મિક વિચારધારાની જરૂરત હતી.
બીએપીએસના જ્ઞાનવત્સલ સ્વામીજી સહિત સંતોને મળી વડા પ્રધાને પૂ. મહંત સ્વામીજીના ખબર-અંતર પૂછયાં હતા.