વડોદરાઃ ભાયલીથી ૬ કિલોમીટર દૂર ગણપતપુરામાં હેરિટેજ ‘ઘેલુ’ વૃક્ષ છે. આ અનોખા વૃક્ષનાં જતન માટે વન વિભાગ સક્રિય બન્યો છે. વન વિભાગે ૫૫ ફૂટ ઊંચા આ વૃક્ષનું આયુષ્ય વધે તે માટે તેની ફરતે એક ઓટલો બનાવ્યો છે. આ વૃક્ષનું વતન આફ્રિકા છે. ફ્રેન્ચ અને અંગ્રેજો તેને ભારતમાં લાવ્યા હતા. વડોદરા પંથકમાં આ વૃક્ષો ગણપતપુરા ઉપરાંત ભાયલી, સિંઘરોટ તથા સમિયાળામાં જોવા મળે છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ ‘એન્ડેનસોનિયા ડિજિટાટા’ છે. વૃક્ષનું સરેરાશ આયુષ્ય ૩થી ૪ હજાર વર્ષ હોય છે. તેના ફળમાં લીંબુ કરતાં પણ વધુ વિટામિન ‘સી’ હોય છે. વટેમાર્ગુઓ ફળના માવાને મોંઢામાં રાખીને ચાલતા હતા. આ ફળના માવાનું શરબત અતિસારમાં ઉપયોગી છે. આ વૃક્ષની મુલાકાતે વડોદરાથી લગભગ ૩,૦૦૦ લોકોને લઈ જનાર પ્રકૃતિ પ્રેમી અરુણ મજુમદાર કહે છે કે, ‘પ્રવાસીઓને આકર્ષવા વનવિભાગે આ પ્રશંસનીય પગલું ભર્યું છે. પણ મુખ્ય રસ્તાથી વૃક્ષ સુધીના માર્ગને વ્યવસ્થિત બનાવવો જોઈએ.’