આણંદઃ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે ૨૩મી ઓક્ટોબરે ડેરીના બોર્ડ રૂમમાં પ્રાંત અને ચૂંટણી અધિકારી જે. સી. દલાલના વડપણ હેઠળ સવારે ૧૧.૦૦ કલાકે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. વાઇસ ચેરમેનપદે કોંગ્રેસના બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને ભાજપના બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવતા માત્ર વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન હાથ ધરાયું હતું. જોકે હાઇ કોર્ટના નિર્દેશને પગલે મતપેટી સીલ કરીને પરિણામ જાહેર કરાયું નહીં. છેલ્લા ૨૦ વર્ષથી સહકારી ક્ષેત્રે દબદબો જાળવી રાખવામા સફળ રહેલા રામસિંહ પરમાર સામે હાજર એક પણ હરીફ ઉમેદવારે નામાંકનપત્ર રજૂ ન કરતાં તેઓ બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા, પરંતુ સત્તાવાર જાહેરાત કોર્ટના આદેશ બાદ થશે. તેમ સહકારી આગેવાનોએ જણાવ્યું હતું.