ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘અમુલ વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સૂપડાં સાફ થયા છે. સંઘની કુલ ૧૩ બેઠકો પૈકી બે બેઠકો બિનહરીફ થતાં ૧૧ સભ્યો માટે મતદાન થયું હતું. જેમાંથી કોંગ્રેસને ૯, ભાજપને માત્ર એક અને એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઇ છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય અને અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર ઠાસરા બેઠકથી, જ્યારે કે માતરની બેઠકથી ભાજપના વિપુલ પટેલ બિનહરીફ જાહેર થયા હતા. ૧૩ પૈકી ૨ બેઠકો બિનહરિફ થયા બાદ ૧૧ સભ્યોના પદ માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બહુમતી મળતા આગામી પાંચ વર્ષ માટે અમૂલમાં કોંગ્રેસની સત્તા યથાવત રહેશે.
આણંદ નગરપાલિકાનું નવું સીમાંકન, કુલ બેઠકો બાવનઃ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે તથા ગુજરાત લોકલ ઓથોરીટીઝ લોઝ (એમેડમેન્ટ) એક્ટ ૨૦૦૯થી ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં ૫૦ ટકા બેઠકો મહિલા અનામત રાખવાના થયેલ સુધારા અંતર્ગત આણંદ શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ૧૩ વોર્ડમાં બાવન બેઠકો નિયત કરવામાં આવી છે. જેથી ૫૦ ટકા મહિલા અનામત બેઠકમાં દસનો વધારો થઈ કુલ ૨૬ બેઠકો મહિલા અનામત રાખવામાં આવી છે જ્યારે કુલ બેઠકોમાં બાર બેઠકોનો વધારો થતાં ન.પા.માં હવે સભ્ય સંખ્યા બાવનની થશે.