આણંદઃ સુપ્રસિદ્ધ અમૂલ ડેરીમાં ૨૬મીએ યોજાયેલી ચેરમેન-વાઈસ ચેરમેનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં રામસિંહ પરમાર ચેરમેનપદે અને રાજેન્દ્રસિંહ પરમાર બિનહરીફ ચુંટાઈ આવતા સહકારી વર્તુળોમાં ચાલતી અટકળો અને ઉત્તેજનાઓનો અંત આવ્યો હતો.
અંદાજે રૂ. ૭ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી અમૂલ ડેરી સભાખંડમાં બપોરે ૧૨ વાગ્યે યોજાયેલી ચૂંટણીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યોએ વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારને એકીઅવાજે ટેકો જાહેર કરતાં પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ બંનેને બિનહરિફ વિજેતા જાહેર કર્યા હતા.
વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય રહેલા રામસિંહ પરમારે ભાજપને કેસરિયો ધારણ કર્યો હોવાથી અને અમૂલ ડેરીના ડિરેક્ટરોમાં કોંગ્રેસની બહુમતી હોવાથી આ વખતની ચૂંટણી તેઓ જીતી શકશે કે સત્તા પલટો જશે એ મામલે ઘણા સમયથી ગરમાગરમ ચર્ચાઓ ચાલતી હતી.
સૌના આશ્ચર્ય વચ્ચે રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ચર્ચાઓ અને શંકા-કુશંકાઓનો અંત આવ્યો હતો.