આણંદઃ અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) રૂ. 72000 કરોડનું ટર્નઓવર હાંસલ કરીને ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. વર્ષ 1973માં માત્ર 6 સભ્યો અને રૂ. 121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. અમૂલને હાલમાં દુનિયામાં 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા ગણવામાં આવે છે તેણે વર્ષ 2022-23માં તેના ગ્રૂપ ટર્નઓવરમાં વધુ રૂ. 11,000 કરોડનો ઉમેરો કર્યો છે.
જીસીએમએમએફની 40મી વાર્ષિક સામાન્ય સભા બાદ ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષ 2022-23માં સંસ્થાએ 18.5 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 50 વર્ષમાં અમૂલ ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાના સિદ્ધાંત પ૨ ખરા ઉતરવામાં સફળ રહ્યા છીએ. ડેરી ક્ષેત્રના અમૂલ મોડલે ખેડૂતોના આર્થિક અને સામાજીક વિકાસ સફળ અને આત્મનિર્ભર તેમજ અર્થક્ષમ આપીને ભારતને દુનિયામાં ગૌરવ અપાવ્યું છે. ગુજરાતના ડેરી ક્ષેત્રના ખેડૂતોએ એક એવુ મોડલ તૈયાર કર્યું છે કે જેની ખૂબ ઓછા લોકો કલ્પના કરી શકે તેમ 36 લાખ ડેરી ક્ષેત્રના ખેડૂતો આ બ્રાન્ડના સાચા માલિક છે.’
તેમણે કહ્યું હતું કે મજબૂત અને સુગમ પધ્ધતિઓ તેમજ પ્રક્રિયાઓ મારફતે આપણે આપણાં દુનિયાના ગ્રાહકો સુધી પહોંચીને આગામી બે થી ત્રણ વર્ષમાં રૂ. 1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.
જીસીએમએમએફના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે વર્ષ 2022–23 દરમ્યાન અમૂલે મોટાભાગની ફ્લેગશીપ કેટેગરીમાં વિવિધ સિમાચિહ્નો હાંસલ કર્યા છે. અમૂલના દૂધ આધારિત પીણાંમાં 34 ટકા અને અમૂલ આઈસ્ક્રિમમાં 40 ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈ છે. અમૂલ બટરમાં 19 ટકા તથા અમૂલ ઘીના કન્ઝ્યુમર પેમાં 9 ટકાનો વધારો નોંધાયો છે. અમૂલ લોન્ગલાઈફ મિલ્કમાં 20 ટકાની વૃદ્ધિ, અમૂલ દહીમાં 40 ટકાની વૃધ્ધિ, અમૂલની તાજી છાશમાં 16 ટકાની અસરકારક વૃદ્વિ અને અમૂલ તાજા દૂધમાં પ્રભાવશાળી 20 ટકાની વૃદ્વિ નોંધાઇ છે.