નવી દિલ્હી: ભારત-ચીન વિવાદ વચ્ચે ચીન પર બનેલા એક કાર્ટૂનના કારણે અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવાયું હોવાના સમાચાર ફેલાયા છે. આ સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો, પરંતુ આ પ્રકરણ મામલે ટ્વિટર ઇન્ડિયા દ્વારા તાજેતરમાં એક નિવેદન જારી કરીને જણાવ્યું કે અમૂલ ઇન્ડિયાનું એકાઉન્ટ કોઇ કેમ્પેન કે કાર્ટૂનના કારણે બ્લોક નહોતું કરાયું. આ ઉદ્યોગ જૂથનું એકાઉન્ટ સિક્યુરિટીના કારણોસર થોડા સમય માટે બંધ રહ્યું હતું અને પછી ખૂલી પણ ગયું હતું.
સામાન્ય રીતે ટ્વિટર દર થોડા દિવસે સિક્યુરિટી ચેક કરે છે. આ દરમિયાન યુઝર્સ પાસે લોગઇન વેરિફિકેશન કોડ માંગવામાં આવે છે. આવા લાંબા સમય બાદ પણ વેરિફિકેશન કોડ ન મળે તો એકાઉન્ટ હંગામી ધોરણે બ્લોક કરી દેવાય છે. ટ્વિટરે સ્પષ્ટ જણાવ્યું કે અમૂલ ઇન્ડિયાનું એકાઉન્ટ કન્ટેન્ટના કારણે બ્લોક નહોતું થયું
ઉલ્લેખનીય છે કે અમૂલ છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ચીન વિરુદ્વ કોમિક અંદાજમાં કાર્ટૂન કેમ્પેન ચલાવી રહ્યું હતું. અમૂલ ગર્લ સાથે ‘એક્ઝિટ ધ ડ્રેગન’નું એક કાર્ટૂન બનાવાયું હતું. જેમાં અમૂલ ગર્લ ડ્રેગનને ભગાડતી દેખાય છે. કોઇ નોટિસ વિના અચાનક કંપનીનું ટિ્વટર એકાઉન્ટ બંધ થતાં અમૂલ પણ હેરાન હતી. જીએસએમએમ એફના મેનેજિંગ ડિરેક્ટર આર.એ.એસ સોઢીએ આ અંગે ટ્વિટરને સવાલ પણ કર્યો હતો.