નડિયાદઃ રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલનું વતન ખેડા-નડિયાદ પાસે આવેલું મહુધા છે. ઉર્જિત પટેલનો જન્મ નૈરોબીમાં થયો હતો, પણ ઉર્જિતના પિતરાઈ ભાઈઓ અને સગાસંબંધીઓ મહુધામાં આજે પણ રહે છે. નોટબંધી પછી ચલણના મેનેજમેન્ટ અંગે રિઝર્વ બેંકને સફળતા મળી નથી. એ માટે ઉર્જિતની ટીકાઓ થઈ રહી છે ત્યારે મહુધાવાસીઓ ઉર્જિતની કામગીરીને વખાણતા કહે છે કે, બીજા જે કહે તે અમે ઉર્જિતના કામથી ખુશ છીએ. ગામનો દીકરો દેશ-વિદેશમાં કામ કર્યા પછી રિઝર્વ બેંકના ગવર્નર જેવા મોભાદાર હોદ્દે છે એ વાત જ ગામવાસીઓ માટે બહુ મોટી છે.
મહુધામાં સાત બેંકો છે. ચાર રાષ્ટ્રીય અને ત્રણ સહકારી. આખા દેશની બેંકોની માફક અહીંની બેંકો પણ ખાલી છે. જરૂરિયાત કરતાં માંડ ૨૦-૨૫ ટકા નાણા જ ગામવાસીઓમાં વહેંચાય છે. નાણાબદલી માટે લોકોએ લાઈનમાં ઉભા રહેવું પડે છે, પરંતુ દેશહિતમાં લોકોને લાઈનમાં ઉભા રહેવામાં જરાય વાંધો નથી. અછતને કારણે સાત પૈકીની એકેય બેંક પોતાના ખાતેદારને લગ્ન માટે રૂ. અઢી લાખની રકમ ચૂકવી શકી નથી.
અમને વાંધો નથી
મહુધાવાસીઓ નોટબંધીના નિર્ણયને આવકારે છે. સામાજિક અગ્રણી અને બેંકર સારંગભાઇ પરીખ કહે છે કે, આટલા મોટા નિર્ણયથી તકલીફ તો પડે જ છતાં જો તેનાથી દેશને ફાયદો થવાનો હોય તો આપણે પણ તકલીફો સહન કરવા તૈયાર રહેવું જોઇએ.
શાળાના આચાર્ય દિનેશભાઇ ત્રિવેદીનું માનવું છે કે, આટલી તકલીફો વેઠયા પછી આખરે મોંઘવારી અને મંદીમાં ફાયદો થશે તેવી આશાએ આ પગલાંને આવકારવો જ રહ્યો. અન્ય એક બેંક મેનેજર ટી. કે. વાલગોત્રા જણાવે છે કે, આજે ભલે આપણે થોડા દિવસ હેરાન થઇએ, પણ લાંબા ગાળે તેનો ફાયદો થશે જ. જો આ નિર્ણય કરતી વખતે સપ્લાયનું પ્લાનિંગ બરાબર કર્યું હોત તો આટલી તકલીફ પણ ન પડત. અગ્રણી વેપારી સિદ્દીક મન્સુરી જણાવે છે કે મહુધાના છોકરાએ લીધેલો આ નિર્ણય આજે આખા દેશ અને દુનિયામાં આવકારાયો છે.
ગુજરાતીમાં જ વાત કરે છે!
ટાવર પાસે આવેલા અંબે માતાના ફળિયામાં ૬૦ વર્ષના ખેડૂત જગદીશભાઇ ડાહ્યાભાઇ પટેલ રહે છે. ઉર્જિત પટેલ આ જગદીશભાઇના સગા કાકા પરષોત્તમભાઇના પૌત્ર છે. ખેતીકામ કરતા જગદીશભાઈ કહે છે, હું મુંબઇ મારા મંજુલાકાકીને (ઉર્જિતના માતા) ફોન કરું ત્યારે ઘણીવાર ઉર્જિત સાથે પણ વાતો થાય. એ ગુજરાતીમાં જ અમારા સૌ સાથે વાતો કરે. બાકી તો બહુ વ્યસ્ત હોય છે. સવારે દૂધને ભાખરી ખાઇને નીકળે તો રાત્રે આવવાનું ઠેકાણું હોતું નથી.
છેલ્લી મુલાકાત ૨૦૧૩માં
ઉર્જિતના પિતા રવિન્દ્રભાઈના દેહાંત પછી સહિયારી જમીનમાં નામ દાખલ કરવા માટે ઉર્જિત હજુ ૨૦૧૩માં જ ગામ આવ્યા હતા. એ વખતે તેઓ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર હતા. તો પણ તલાટી ઓફિસે સામાન્ય વ્યક્તિની જેમ જઈને સહી કરી હતી. આજે પણ એ પાંચ વીઘા જમીન છે અને જગદીશભાઈ તેમાં ખેતી કરે છે. જોકે એ જમીનમાં હવે ઉર્જિતભાઈનો ભાગ નથી, પરંતુ મૂળ સહિયારું મકાન છે એ સચવાયેલું છે.
કાનન અને નીતા બહેનો નથી
કાળા નાણા પર સર્જિકલ સ્ટ્રાઇકને લીધે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ ઘણા ચર્ચામાં છે. તેના ભાગરૂપે તાજેતરમાં એવા સમાચાર પણ વહેતા થયા હતા કે ઉર્જિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી સાઢુભાઈ છે. મૂળ ચરોતરના અને હાલ અમેરિકામાં રહેતા અનિલ પટેલે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ઉર્જિતનાં પત્ની કાનન મારી દીકરી છે અને નીતા અંબાણીની બહેન નથી