વડોદરાઃ અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને ડોલરમાં પ્રોસેસિંગ ફી વસૂલી છેતરપિંડી કરી ક્રિપ્ટો કરન્સી પેમેન્ટ મેળવનારા દ્વારા ચાલતું કોલસેન્ટર અલકાપુરીના નિસર્ગ ડુપ્લેક્ષમાંથી પકડાયું છે. સયાજીગંજ પોલીસે મનિષ પ્રહલાદભાઇ ખાતી (મકરપુરા) સહિત આરોપીઓના રિમાન્ડ મેળવીને ઘટનાની તપાસ આગળ વધારી છે.
પોલીસે જણાવ્યું કે, આરોપીઓ મેજિક જેક ડિવાઇસથી અમેરિકાના ફોન નંબર મેળવી અમેરિકનોને કોલ કરતા હતાં. લોનમાં રસ ધરાવતા લોકો પાસેથી વેરિફિકેશન લોન, એગ્રીમેન્ટ પ્રોસેસિંગ ફી તેમજ અન્ય બહાને મનીગ્રામથી ડોલર લેવાતા હતા અને લોકોને લોન મળતી નહોતી.
જોકે પ્રોસેસિંગ ફી પેઠે લેવાતા ડોલરની રકમ વધુ ન હોવાથી છેતરાયેલા અમેરિકનો ફરિયાદ કરવાનું ટાળતા હતા. પોલીસે બોગસ કોલ સેન્ટરમાંથી ૪ લેપટોપ, ૫ મેજિક જેક અને ૪ મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી.
સંચાલક ધો. ૧૨ પાસ
આ ગેંગનો સૂત્રધાર અને કોલ સેન્ટરનો સંચાલક મનિષ ખાતી ધોરણ-૧૨ સુધી જ ભણેલો છે અને તેણે મિત્રોને સાથે રાખી ચિરાગ શાહ નામના પરિચિત યુવક મારફતે તેના સંબંધીનું ડુપ્લેક્સ ભાડે રાખ્યું હોવાની વિગતો ખૂલી છે.
કોલ સેન્ટર રાતે ચાલતું
આ બોગસ કોલ સેન્ટર રાત્રે દસ વાગ્યે શરૂ થતું અને મોડી રાત સુધી ચાલતું. આ સમયે અમેરિકામાં ઓફિસ ટાઈમ હોવાથી ગેંગ અહીં રાતે ઓફિસ ચાલુ રાખતી હતી.