ખંભાતઃ અમેરિકાવાસી ખંભાતની વતની કિશોરીઓએ દેશી ‘બરફગોલા’નો સ્વાદ અમેરિકનોને ચખાડી તેમાંથી કમાણી કરીને વતનમાં અનોખું સેવાકાર્ય કર્યું છે. અમેરિકામાં ખંભાતી ચેરિટી ઇન્ટરનેશનલના નેજા હેઠળ ખંભાતની વતની કિશોરીઓએ ૪૪૦ ડોલર એકત્ર કરીને ખંભાતની કાર્ડિયાક કેર સેન્ટરને મોકલી આપી બીજા લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમેરિકાસ્થિત હીના પટેલ જણાવે છે કે, ‘દેશ પ્રત્યેનું ઋણ અદા કરવાનો આત્મિય આનંદ અનેરો હોય છે. અમે રજાઓમાં સામાજિક પ્રવૃતિઓ કરીએ છીએ જેમાંથી અમને સંતોષ તો મળે છે અને સમયનો સદ્દઉપયોગ થાય છે.’ અમેરિકામાં સંસ્થાના સભ્યો ખંભાતના સ્મશાન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ માટે હંમેશા ભંડોળ મોકલે છે. અગાઉ ત્યાંથી ડો. ભૂપેન્દ્ર કાપડિયા, ડો. ઠાકોરભાઈ રાણા અને તેમની ટીમ દ્વારા રૂ. ૧૮ લાખ મોકલાયા છે.
મિકી પટેલ જણાવે છે કે, દીકરીઓ હંમેશા સેવાયજ્ઞ માટે તત્પર હોય છે. દીકરીઓ કોલેજમાં ભણતાં ભણતાં પણ સેવા પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે ન્યૂ યોર્કવાસી ધારિણી શાહ કહે છે કે, દેશી બરફગોલા અમેરિકામાં વેચી દેશની સેવા કરવી ઉત્તમ માતૃભક્તિનો નમૂનો છે.