વડોદરા: દેશના નાણા પ્રધાન અરુણ જેટલીએ વર્ષનું બજેટ હાલમાં રજૂ કર્યું. ત્યારે યાદ આવે કે આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમણે દત્તક લીધેલું પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી જ વિકાસ ઝંખી રહ્યું છે. આ ગામમાં એમ્બ્યુલન્સ અપાઇ છે. બ્રિજ અને ટાંકીના કામ શરૂ થયા છે, પરંતુ હજુ પણ પાકા રોડ, સફાઇ, બસ, શૌચાલયો, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ મળે તેવું ગામના લોકો ઇચ્છે છે. કરનાળી જૂથ પંચાયતના સભ્ય અશોકભાઇએ જણાવ્યું હતું કે, જ્યારથી નાણા પ્રધાન અરુણ જેટલીએ ગામ દત્તક લીધું ત્યારથી વિકાસના કામ શરૂ થયા છે. છેલ્લા એક વર્ષથી બ્રિજ, ટોયલેટ, પાણીની ટાંકીઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગામમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ છે. કરનાળી અને જૂથ પંચાયતમાં આવતા વાલિયા, બગલીપુરા અને પીપલીયા ગામોમાં ૫૦૦ જેટલા ટોયલેટ બનાવવાના છે. જેનું મોડલ પણ તૈયાર થઇ ગયું છે.
કરનાળીના ગ્રામજન બકોરભાઇએ જણાવ્યું હતું કે, ગામમાં વિકાસના કાર્યો થઇ રહ્યાં છે, પણ હજુ ઘણા કામ કરવાના બાકી છે. ગામના રસ્તા સાંકડા અને કાચા છે. ગટર વ્યવસ્થાની ખાસ જરૂર છે.
કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામમાં રસ્તાઓ એવા બને છે કે દોઢ બે મહિને તૂટી જાય છે. શૌચાલયોની કામગીરી ધીમી છે. ગામના બગીચાનો વિકાસ જરૂરી છે. ગામમાં નદી કિનારાના ઘાટ અને ધાર્મિક સ્થળો પર સોલાર લાઇટ લગાવવાની જરૂર છે. ગામમાં માત્ર બે જ વખત એસ.ટી. બસ આવે છે, તેના રૂટમાં વધારો કરવો જોઈએ.
કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ કરનાળી ગામને દત્તક લીધા બાદ અત્યાર સુધીમાં બે વખત કરનાળી ગામની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તેમણે ગામમાં વિકાસ કામોના ખાતમુહૂર્ત પણ કર્યાં હતા. ત્યારબાદ તેમના તરફથી કરનાળી ગામના વિકાસ માટે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને સાંસદ ગ્રાંટમાંથી કામગીરી કરાવવા માટેની રકમની ફાળવણી કરી છે.
એમ્બ્યુલન્સ, ગેસ આધારિત સ્મશાનગૃહ, ટ્રાન્સફોર્મર વર્ક માટે રૂપિયા ફાળવ્યા
આર.ટી.આઇ.માં જિલ્લા આયોજન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ નાણા પ્રધાને કરનાળી ગ્રામ જૂથ પંચાયત માટે એમ્બ્યુલન્સ વાન ખરીદવા હેતુ રૂ. ૪૪૩૬૯૬ની રકમ ફાળવી છે. જ્યારે કરનાળી, વાલિયા, બગલીપુરા અને પીપળીયા ગામો માટે કરનાળી ગ્રામ પંચાયતમાં ગેસ આધારિત સ્મશાનગૃહ બનાવવા રૂ. ૩૦ લાખની ગ્રાંટ મંજૂર કરી છે. આ ઉપરાંત ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે ટ્રાન્સફોર્મર વર્કની કામગીરી માટે રૂ. ૧૩૧૦૦૦ ફાળવ્યા છે.