સારસા (આણંદ)ઃ અવિચલદાસજી મહારાજ પોતાના નામ પ્રમાણે જ છેલ્લા ૫૦ વર્ષથી અવિચલ રીતે ઉત્તમ સેવા કાર્ય કરી રહ્યા છે. રાજસત્તા કરતાં ધર્મસત્તા હંમેશા ઉંચી જ હોય છે એમ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આચાર્ય અવિચલદાસજી મહારાજ સાધુદીક્ષા સુવર્ણજયંતી મહોત્સવના ભાગરૂપે યોજાયેલા મહારાજના રજત તુલા સમારોહને સંબોધતા ચુડાસમાએ કહ્યું હતું કે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે સતત ત્રીજી વખત ચૂંટાઇને તેમજ વિવિધ સેવાકાર્યો થકી ગુજરાતનું અને અમારું ગૌરવ વધાર્યું છે.
રજત તુલા પ્રસંગે એક પલ્લામાં આચાર્ય અવિચલદાસજી બિરાજમાન હતા તો બીજા પલ્લામાં તેમના વજન જેટલી ૮૬ કિલોગ્રામ ચાંદી મૂકાઇ હતી. ત્રણ યજમાન દાતાઓએ પરમગુરુ કરુણાસાગર મહારાજના જયઘોષ સાથે આ ચાંદી અર્પણ કરી હતી.
આ પ્રસંગે કેવલપીઠાધીશ્વર અને સપ્તમ કુવેરાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજે પ્રતિસાદ આપતા કહ્યું હતું કે અમારી ગુરુ પરંપરાના પાયામાં સેવા રહેલી છે તેનું આ ફળ છે. આ સમગ્ર ચાંદીનો ઉપયોગ ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલી તીર્થ વિકાસ યોજના અને સેવા યોજના માટે ઉપયોગમાં લેવાશે. યોજનામાં પરમગુરુ પ્રગટ તીર્થ અરદાડમના વિકાસ માટે જમીન મેળવવાનો, ગૌશાળાનું નિર્માણ અને આઇ કેમ્પના આયોજનનો પણ સમાવેશ થાય છે.
ગોવાના સદ્ગુરુ શ્રી બ્રહ્મેશાનંદજી મહારાજે કહ્યું હતું કે અવિચલદાસજી મહારાજે દેશ-વિદેશમાં નવી પેઢીમાં ધર્મ ઉપાસના અને સુંદર સંસ્કારોનું સિંચન કર્યું છે. દલિતો અને વનવાસીઓને પૂજા માટે મંચ પર આમંત્રિત કરીને નાતજાતના ભેદ મિટાવી દીધા છે.