નવી દિલ્હી: ઇડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની પાંચમીએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક સાથે સંકળાયેલા બેન્ક ગોટાળા અને મની લોન્ડરિંગ અંગે કરાઈ રહી છે. અધિકારીઓએ કહ્યું કે ફૈઝલને પૂછાયું હતું કે તેનો સ્ટર્લિંગ બાયોટેકના માલિક સાંડેસરા બંધુઓ સાથે પૈસાની આપ-લે અંગે શું સંબંધ છે.
આ ચોથી વખત છે કે જ્યારે પૈઝલની પૂછપરછ થઈ છે. એજન્સી અગાઉ ત્રણવાર તેની પૂછપરછ કરી ચૂકી છે. ફૈઝલની સાથે જ અહમદ પટેલના જમાઈ ઇરફાન સિદ્દીકીની પણ પૂછપરછ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સ્ટર્લિંગ બાયોટેક પર આંધ્ર બેન્કમાંથી ૧૪,૫૦૦ કરોડના લોન ગોટાળાનો આક્ષેપ છે.
સાંડેસરા બંધુઓ અને તેમના પરિવારજનો આ કૌભાંડ બહાર આવ્યા પછી દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ દુબઈમાં હોવાનું અગાઉ મનાતું હતું પણ હવે એવા અહેવાલ છે કે તેઓ વેનેઝુએલામાં છુપાયા છે. વેનેઝુએલામાં સાંડેસરા બંધુઓને ઓઇલ બિઝનેસ પણ શરૂ કર્યો હતો.