આંકલાવમાં ના. મામલતદાર લાંચ લેતા ઝડપાયા

Monday 18th January 2021 03:58 EST
 

આણંદઃ આંકલાવ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર અને ઈ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા આકાશ ઠક્કરની એસીબીએ કાચી નોંધ પાડવા રૂ. ૯ હજાર માગ્યા હોવાના આરોપમાં ૧૮મીએ ધરપકડ કરી હતી. આ સાથે આકાશ ઠક્કર તમામ એન્ટ્રી માટે મનફાવે તેવી રકમની લાંચની માગતા અને કમ્યુટર ઓપરેટર લાંચની રકમની તડજોડ કરતો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, કહાનવાડી ગામે સર્વે નં. ૫૯૪ વાળી ૨૫ ગુંઠા જમીન ૬ઠ્ઠી નવેમ્બર, ૨૦૨૦ના રોજ વેચાણે રાખીને તેનો દસ્તાવેજ કર્યો હતો જેની કાચી નોંધ નં. ૩૨૦૫ પડેલી જેની પાકી નોંધ પ્રમાણિત કરવા ફરિયાદીએ આકાશ ઠક્કરને કચેરીમાં દસ્તાવેજ તથા જરૂરી કાગળો આપ્યા હતા.

એ પછી આરોપીના કમ્પ્યુટર ઓપરેટર કમલેશ ઠાકોરે ફરિયાદીને મોબાઈલ ફોન પર સંપર્ક કરીને જણાવ્યું હતું કે, તમારી નોંધ પ્રમાણિત કરવાની છે તો અમારા ઠકકર સાહેબને મળી જશો. મામલતદાર કચેરીએથી સંદેશો મળતાં ફરિયાદી ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ આકાશ ઠક્કરને મળતા તેઓએ ફરિયાદીને નોંધ પ્રમાણિત કરવા રૂ. ૯૦૦૦ની માગ કરી હતી. એ પછી ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યૂરોનો ટોલ ફ્રી નં. ૧૦૬૪ પર સંપર્ક કરતાં છટકું ગોઠવાયું હતું. અંતે આકાશ ઠક્કર તથા કમલેશ ઠાકોરે ફરિયાદીને રકઝક પછી રૂ. ૬૫૦૦માં સેટલમેન્ટ કરવાનું કહ્યું હતું. ફરિયાદીએ લાંચની રકમ આપતાં બંને સ્વીકારતાં પકડાઈ ગયાં હતાં. જે બાબતે એસીબી દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ આરંભી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter