આણંદઃ કોરોના વાઇરસ ફેલાવાની પરિસ્થિતિમાં સરકારના પગલાંમાં સહયોગ અર્થે પોતપોતાના ક્ષેત્રમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને શાકભાજી સહિત નિઃશુલ્ક અનાજ સેવા પૂરી પાડવાની ભારતના સંત સમાજ અને ભક્ત સમાજ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજે તાજેતરમાં વિનંતી કરતાં પ્રેરણા પૂરી પાડી છે. સમગ્ર દેશમાં આવશ્યક લોકડાઉનને પગલે સંત સપ્તમકુવેરાચાર્ય અવિચલદાસ મહારાજે આણંદ જિલ્લાના રાસરા ગામની આસપાસના વીસેક ગામમાં પાંચ હજારની વધુ જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને વિનામૂલ્ય અનાજની કીટ અને શાકભાજી પૂરા પાડવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રોજરોજ કમાઈને પરિવારનું ભરણપોષણ કરતા શ્રમજીવી પરિવારોને કફોડી હાલતમાં મદદરૂપ થવા કુલ દસ કિલો અનાજની કિટ અને શાકભાજી દર સપ્તાહે નિઃશુલ્ક આપવાની આ યોજનાનો વિસ્તાર કરવા વધુ ગરીબ પરિવારોને આવરી લેવાની યોજના પરિસ્થિતિ પ્રમાણે આકાર લઈ રહી છે.
આ નિઃશુલ્ક અનાજ સેવા જેવી અન્ય સેવાઓનો વિસ્તાર કરવા અર્થે સમગ્ર સંત સમાજ અને ભક્ત સમાજ સહિત ભારતની વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓને પોતાપોતાના ક્ષેત્રમાં વિવિધ પ્રકારે પ્રદાન કરવાની તેમણે વિનમ્ર અપીલ કરી હતી.