વડોદરાઃ વડોદરાના અને બ્રિટનમાં સ્થાયી થયેલા શાહ પરિવારની સ્લૌની ક્લેકોટ્સ સ્કૂલમાં ભણતી આઠ વર્ષની સિયાના દાદા વર્ષ ૨૦૦૭માં કેન્સરની બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. તેના દાદાને કેન્સરની બીમારી હતી તેથી ઘરમાં કેન્સર વિશે ચર્ચા થતી રહેતી હતી. સિયાના પિતા જયદીપભાઈ અને તેનાં મમ્મી દીપાલીબહેન કહે છે કે, સિયાને પણ આ ડિસિસ વિશે જાણકારી મળતી ગઈ તેમ તેમ તે ઉદાસ થતી ગઈ હતી. તેની ઉદાસીના કારણે તેને કેટલાક પ્રેરણાત્મક વીડિયો અમે દેખાડ્યા કે આ ડિસિસ હોય તેવા લોકોને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ.
આ વીડિયોમાંથી તેને જાણવા મળ્યું કે કેન્સરગ્રસ્ત લોકો દવાના હેવિ ડોઝના કારણે પોતાના વાળ ગુમાવી દે છે અને તેમને વાળ દાન કરવામાં આવે તો તેઓ વ્હીગ પહેરી શકે. એ પછી એક દિવસ તેણે અમારી પાસે આવીને કહ્યું કે, હું મારા વાળ હવેથી દાન કરવા માગુ છું. એ પછી ‘લિટલ પ્રિન્સેસ ટ્રસ્ટ’માં સિયાના વાળ દાન કરવાનું નક્કી કર્યું. સિયાને આ સંસ્થા દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.
સિયા કહે છે કે, કેન્સરના દર્દીઓને લોકો જુદી જુદી રીતે મદદ કરે છે તેવા ઘણા વીડિયોઝ મેં જાયાં. કેન્સરના દર્દીઓને અલગ અલગ મદદની જરૂરિયાત પણ રહેતી હોય છે એવી મને ખબર પડી પછી મેં નક્કી કર્યું કે હું મારા વાળ ‘લિટલ પ્રિન્સેસ’ ટ્રસ્ટને દાન કરીશ. ‘લિટલ પ્રિન્સેસ’ ટ્રસ્ટ દાનમાં આવેલા વાળની વ્હીગ બનાવીને કેન્સરથી પીડાતા બાળકોને આપે છે. કારણ કે કેન્સરથી પીડાતા બાળકોને હેવિ મેડિકલ ટ્રીટમેન્ટ અપાય છે તેથી સામાન્ય રીતે તે પોતાના વાળ ગુમાવી દેતા હોય છે. મારા વાળનું દાન કરવાથી મને ખુશી અને સંતોષ થાય છે સાથે સ્કૂલમાં ચેરિટી પ્રોગ્રામ્સમાં ભાગ લેવા માટે પણ પ્રેરણા મળે છે. મેં મારા ફ્રેન્ડ્ઝને પણ વિનંતી કરી છે કે તમને અનુકૂળ હોય તેવી રીતે કોઈને કોઈ ચેરિટીનું કાર્ય કરો. અંતે તે સમાજને મદદરૂપ જ થાય છે.