આણંદ જિલ્લામાં વિવિધ છ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ વર્ષમાં રૂ. ૨૦ કરોડ મંજૂર કર્યા છે. તે મુજબ કરમસદ અને તેની આજુબાજુના વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને લગતા સ્થળોની ટુરિસ્ટ સર્કીટ માટે અંદાજીત ખર્ચની રકમ રૂ. ચાર કરોડ, ખંભાત અને ખંભાતના જિનાલયો તથા અન્ય દર્શનીય સ્થળોના વિકાસ કરવા રૂ. ૩ કરોડ, સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે ક્ષેમ કલ્યાણી મંદિર, તોરણાવ માતાના મંદિરના વિકાસ માટે રૂ. ચાર કરોડ, ખંભાત તાલુકાના રાલજ ગામે શિકોતર માતાના મંદિરના વિકાસ માટે રૂ. સાત કરોડ અને આણંદ શહેરમાં જાગનાથ મહાદેવ ખાતે પ્રવાસન સુવિધા ઊભી કરવા માટે રૂ. ત્રણ કરોડ ખર્ચાશે, તેમ કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું.
ચરોતરમાં ૧૯ વર્ષની વયે ૩૮.૫ ટકા યુવતીઓનાં થતાં લગ્નઃ ચરોતર આર્થિક, સામાજિક અને ધાર્મિક રીતે ખૂબ જ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. ચરોતરમાં કોઈ જ મોટા ઉદ્યોગ-ધંધા નથી છતાં પ્રજાજનોની રહેણીકરણી સાધન સંપન્ન વર્ગ જેવી છે. ચરોતરના ખેતી અને ખેતી સાથે સંકળાયેલા પશુપાલનના પૂરક વ્યવસાયમાં મોટોવર્ગ જોડાયેલો છે. જેની સાથે વિદેશની કમાણીએ ચરોતરને વધુ સમૃદ્ધિના શિખરે પહોંચાડ્યું છે. આ સમૃદ્ધ ચરોતર પ્રદેશની સામાજિક રીતરિવાજો અને પરંપરામાં યુવતીઓના લગ્ન વહેલાં કરવામાં આવે છે. કાયદાની દૃષ્ટિએ નહીં પરંતુ સામાજિક દ્રષ્ટિએ ૧૯ વર્ષની ૩૮.૫ ટકા યુવતીનાં લગ્ન કરવામાં આવે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારો અગ્રેસર છે. દેશમાં આ ટકાવારી ૪૧.૩ ટકાની છે અને રાજ્યની ૩૮.૩ની ટકાવારી ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં જોવા મળી છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશની ૪૧.૩ ટકા યુવતીઓના લગ્ન ૧૯ વર્ષની વયમાં થઈ જાય છે.
જાન પાછી ગયા પછી મૂરતિયો ફરી પરણવા આવ્યો!ઃ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્નના દિવસે જ મારામારી થતા મૂરતિયો લગ્ન કર્યા વગર જ જાન લઈને પરત ઘરે ગયો હતો. એ જ મૂરતિયા સાથે યુવતીના મહિસાગર નદીના કિનારે આવેલા ઉજ્જેશ્વર મહાદેવના મંદિરે લગ્ન થયા છે અને યુવક-યુવતીની ઈચ્છાને વશ થઈને બંને પરિવારોએ સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો.
બીવીએમને ઓટોનોમસ સ્ટેટસ મળ્યુંઃ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ) સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ) એન્જિનિયરીંગ કોલેજને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬થી છ વર્ષ માટે ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રેરણાથી સ્થપાયેલ તથા સીવીએમના અધ્યક્ષ ડો. સી.એલ. પટેલના માર્ગદર્શનમાં આ સંસ્થા ખાતે અત્યારે સ્નાતક કક્ષાના આઠ અને અનુસ્નાતક કક્ષાના સાત અભ્યાસક્રમોમાં દેશભરમાંથી અંદાજે ૩૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.