આણંદ: આણંદ જિલ્લાની પાંચ પાલિકાઓમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના ૧૯મીએ જાહેર થયા હતા. જેમાં કરમસદના ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી ભાજપને ૨૦ અને કોંગ્રેસે ૮ બેઠકો પર વિજય મળ્યો હતો. પરિણામે પાંચમી વાર ભાજપનું શાસન સ્થપાયું હતું. વિદ્યાનગર પાલિકાના ૬ વોર્ડની ૨૪ બેઠકમાંથી તમામ ભાજપે કબજે કરી હતી. જોકે આંકલાવની ૨૪ બેઠકમાંથી ભાજપને માત્ર એક બેઠક મળી અને ૨૩ બેઠક પર અપક્ષો વિજેતા થયા છે. બોરીયાવી પાલિકામાં ૨૦ બેઠકોમાંથી ૧૨ કોંગ્રેસને, ૩ ભાજપને અને ૫ અપક્ષ ઉમેદવારોને મળી હતી. ઓડ પાલિકાની ૨૪માંથી ૧૬ પર કોંગ્રેસ અને ૮ ભાજપને મળતા કોંગ્રેસનું શાસન આવ્યું છે. આમ જિલ્લામાં ભાજપે એક પાલિકા-ઓડ ગુમાવી છે અને અત્યાર સુધી પ્રતીક પર નહીં લડનાર કોંગ્રેસે બે પાલિકા બોરીઆવી અને ઓડ કબજે કરી છે.
કરમસદમાં ભાજપની જીત
કરમસદ પાલિકામાં ચાર ટર્મથી ભાજપની સત્તા હતી, પરંતુ આ વખતે કોંગ્રેસ જીત થઇ હતી. તેમજ શહેરમાં ભાજપના શાસકોની કામગીરીથી નારાજગી હોવાથી કોંગ્રેસના ધારાસભ્યે કરમસદ પાલિકા કબજે કરવા એડીચોડીનું જોર લગાવ્યું હતું. ગત વખતે ૨૭ બેઠકોમાંથી ૨૨ બેઠક ભાજપ પાસે અને ૬ બેઠક અપક્ષ પાસે હતી. પરિણામ બાદ ભાજપને ૨૦ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતિ મળી હતી. ગત ટર્મ કરતાં જોકે બે બેઠકો ઓછી મળી છે. જ્યારે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલાં કોંગ્રેસને ૮ બેઠકો મળી છે.