આણંદઃ જિલ્લામાં થોડા દિવસ અગાઉ આઠેક તાલુકામાં સરેરાશ અડધોથી અઢી ઈંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ અચાનક જ સમગ્ર ગુજરાતમાંથી વાદળો ગાયબ થયા છે. વરસાદ સંભાવના નહીંવત છે. તેથી ફરીથી ખેતી ઉપર અસર થશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આણંદ જિલ્લામાં ખેતીલાયક જમીન બે લાખ હેક્ટર છે. તેમાંથી અત્યાર સુધીમાં પિયતની સગવડવાળા વિસ્તારમાં જ માત્ર ૮ હજાર હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થતાં માત્ર પાંચ ટકા જમીનમાં વાવેતર થયું છે. જો આગામી ૧૫ દિવસ સુધીમાં જિલ્લામાં બે ઈંચ વરસાદ ન થાય તો પિયતની વ્યવસ્થા ન ધરાવતાં વિસ્તારમાં ખેતીનું કામ અટકી પડશે. આવી સ્થિતિમાં ડાંગરના ધરૂવાડિયાને અસર થાય છે અને બાદમાં ધરૂ ક્યાંથી લાવવો તે પ્રશ્ન ઊભો થાય છે. ૨૦-૨૫ દિવસ બાદ ડાંગરની રોપણ થાય તો ડાંગરનો પાક મોડો પાકે તેમ જ ઉતારાને અસર થશે.
સંખેડા-બોડેલીમાં કેળાના પાકમાં મોટું નુકસાનઃ સંખેડા-બોડેલી તાલુકામાં ૨૪ જૂનના રોજ આવેલા વાવાઝોડાથી કેળાના પાકને થયેલા નુકસાનીનો સર્વે પૂરો થયો છે. સંખેડા -બોડેલી તાલુકામાં કુલ ૩.૧૦ લાખ કેળાના થડને નુકસાન થયું છે. જેથી રૂ. ૬ કરોડના નુકસાનનો અંદાજ છે. ૫૬૧ ખેડૂતોને ૧૩૫ હેકટર જમીનમાં પાકને નુકસાન થયું છે. સ્થાનિક ધારાસભ્યે ખેડૂતોને નુકસાનનું વળતર અપાવવા માટે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.