આણંદ જિલ્લામાં મુખ્ય પ્રધાન દ્વારા અનેક વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ

Wednesday 02nd October 2019 06:54 EDT
 
 

આણંદઃ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આણંદ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૦૦મી જન્મ જયંતી નિમિત્તેની ઉજવણી ૨૫મી સપ્ટેમ્બરે કરાઈ હતી. આ ઉજવણી દરમિયાન આણંદ નગરપાલિકા દ્વારા વિકાસલક્ષી નવા પ્રકલ્પોમાં રૂ. ૬.૧૫ કરોડના ખર્ચે બાકરોલ નવીનીકરણ કરાયેલા તળાવનું લોકાર્પણ, રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે અવકુડા નિર્મિત દાંડી માર્ગનું લોકાર્પણ કરાયું હતું. આ જ દિવસે રૂ. ૧૬.૮૬ કરોડના ખર્ચે અમૃત પ્રોજેક્ટ હેઠળ અમૂલ ડેરી રોડ ઉપર સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન તથા ફૂટપાથનું નવીનીકરણનું ખાતમુહૂર્ત થયું હતું. જનવિકાસ ઝુંબેશ અંતર્ગત આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના લાભાર્થીઓને દિન ૩૦ના લક્ષ્યાંક મુજબ પાંચ હજારથી વધુ લાભાર્થીઓને સહાય ચૂકવવા સહિતની યોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકતીનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાનના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે હવાઈ માર્ગે આવેલા મુખ્ય પ્રધાને આણંદ લોટેશ્વર તળાવ ખાતે વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની માનવ કદની પ્રતિમા સ્થાપિત કરવાના સ્થળની મુલાકાત લઈ ખાતમુહૂર્ત વિધિ કરી હતી. ત્યાંથી નગરપાલિકા ભવનની મુલાકાત લઈ ભવન સામે રૂ. ૮.૫ લાખના ખર્ચે નવનિર્મિત પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ તેમના હસ્તે થયું હતું.
મુખ્ય પ્રધાને એમ બી સાયન્સ કોલેજમાં સભા સંબોધનમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દર વર્ષે ૧૦૦ ટીપી સ્કીમ મૂકી છે અને શહેરમાં ઝીરો પર્સન્ટ ઝૂંપડપટ્ટી અને તેવા પ્રયાસ હાથ ધર્યા છે. જળવાયુ પરિવર્તન અંગે મુખ્ય પ્રધાને કહ્યું કે પર્યાવરણ પાણી અને પ્રકૃતિની ચિંતા સરકાર કરે છે. ગુજરાત આજે પાણીદાર બન્યું છે. જ્યાં દુષ્કાળ એ ભૂતકાળ બન્યો છે. રાજ્યમાં ૧૨ હજાર તળાવો ઊંડા કરી પાણીનું જળસ્તર ઊંચું લાવવામાં મદદ મળી છે. આજે ગુજરાત સોલાર અને વીજ ઉત્પાદનમાં અગ્રેસર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter