આણંદઃ શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માગ સાથે આણંદ હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિના નેજા હેઠળ જુદા જુદા સંગઠનો દ્વારા આણંદ જિલ્લા કલેકટર દિલીપકુમાર રામાને આવેદન પત્ર પાઠવી અમલ કરવાની માગ કરી હતી. હિન્દુ સંગઠનો દ્વારા એવી ચેતવણી અપાઈ હતી કે જો આગામી ૩૦ દિવસમાં આ અંગેનો નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર પગલાં લઈ જલદ કાર્યક્રમ આપવાની હન્દુ સમાજને ફરજ પડશે. આણંદ શહેરના બેઠક મંદિરેથી રેલી નીકળી શહેરના જુદા જુદા માર્ગો પર પસાર થઈ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી.
આણંદ શહેરમાં ૨૦૦૨ બાદથી શહેરમાં આવેલા મહત્ત્વના વિસ્તારો ઉપર હિન્દુઓની કિંમતી મિલકતો ઉપર ચોક્કસ પ્રકારના લઘુમતી અને ભૂમાફિયાઓની નજર છે. આવી મિલકતોના ઊંચા ભાવો આપી જે તે વિસ્તારમાં પગ પસારો કરે છે અને ધીમે ધીમે આ વિસ્તારનો કબજો જમાવી લે છે. જેના કારણે હિન્દુ સમાજ અને સંસ્કૃતિને ઠેસ પહોંચે છે. આણંદ શહેરના બેઠક મંદિરમાં હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિના નેજા હેઠળ નીકળેલી રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ (આણંદ જિલ્લા શાખા), બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને હિન્દુ જાગરણ મંચના કાર્યકરો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.