આણંદઃ ચાની લારી ચલાવતા પિતા અને પુત્રીને માર મારીને હત્યાની ધમકી આપનારા બે ભાઈઓ રાહુલ ઓઘડભાઈ ભરવાડ (ઉ.વ. ૩૫) અને તેના મોટાભાઈ જગદીશ પર કેસ ચાલતાં કોર્ટના હુકમથી મેડિકલ બાદ ગામડીની સબજેલમાં લવાયા હતા. બીજા દિવસે ૧૯મીએ સવારે રાહુલ બેરેકમાં મૃત મળી આવ્યો હતો. જેલ સત્તાએ આ બનાવ અંગે આણંદ શહેર પોલીસમથકમાં જાણ કરતાં જ આણંદના ડીવાયએસપી ઉપરાંત પોલીસ કાફલો આણંદ સબજેલ ધસી આવ્યો હતો. દરમિયાન મૃત આરોપીના કુટુંબીજનોએ રોષ ઠાલવ્યો હતો કે અમને શંકા છે કે પોલીસે જ રાહુલને મોતના મુખમાં ધકેલ્યો છે. આણંદ શહેર પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી મરનાર આરોપીના મૃતદેહને પીએમ મોકલી આપ્યો હતો અને આણંદના ડીવાયએસપી બી. ડી. જાડેજાએ જણાવ્યું કે, જેલની બેરેકમાં શું ઘટના બની તે અંગે પણ તપાસ કરવામાં આવશે.