વિદ્યાનગરઃ આણંદના અગ્રણી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટસ કોલેજ આણંદને રાજ્યમાં સૌ પ્રથમ વખત યુજીસી નવી દિલ્હી દ્વારા ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવતા પ્રિન્સિપાલ ડો. મોહનભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ગૌરવની લાગણી દર્શાવી છે. આણંદની અગ્રણી એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજમાં ઓટોનોમસ મળ્યું હોય તેવી રાજ્યની પ્રથમ કોલેજ છે. જેને લઈને ટ્રસ્ટ અને કોલેજનું નામ રાજ્યકક્ષાએ ગૂંજ્યું છે. ટ્રસ્ટના ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડો. મોહનભાઈ પટેલે કોલેજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની અનોખી સુવિધા, લાઈબ્રેરી, રમતગમત, ડિબેટ સહિતની સ્પર્ધાઓના સમયાંતરે આયોજન કરીને વિદ્યાર્થીઓમાં છૂપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના પ્રયાસ હાથ ધરાય છે.
પ્રિન્સિપાલ ડો. મોહનભાઈ પટેલે ઓટોનોમસ માટે અથાક પ્રયત્નો કરતાં કોલેજને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે. કોલેજને મળેલી વિશેષ સ્વાયત્તતાને કારણે હવે સંસ્થા પોતાના અભ્યાસક્રમો, પરીક્ષા તથા ગુણાંકન પદ્ધતિ નિર્ધારિત કરી શકશે. જોકે, કોલેજ સરદાર પટેલ યુનિવર્સિટી સાથે માત્ર વહીવટી સંચાલન પૂરતી સીમિત રહેશે. બાકીના દરેક કાર્યો, નિર્ણયો માટે કોલેજ સ્વતંત્ર રહેશે. ત્યારે યુજીસી દ્વારા એનાયત કરાતું કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સેલન્સ હોય, ઈનોવેટિવ કોર્સ હોય કે અન્ય અભ્યાસક્રમ હોય કોલેજ અભ્યાસ તેમજ અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં સતત નવિનતાને પ્રાધાન્ય આપી રહી છે.