આણંદઃ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ દ્વારા ૫ાંચમી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો ઉદઘાટન સમારોહ મધુભાન રિસોર્ટમાં યોજવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ એકેડમી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ પ્રેરિત ટ્રાન્સેલશન રિર્સચ ઈન કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ વિષય પર યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશવિદેશના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સેવામંડળના પ્રધાન જ્યોત્સનાબહેન પટેલને વિશિષ્ટ સર્વિસ એવોર્ડ તથા ડો. તેજલ ગાંધીને વિશિષ્ટ લીડરશિપ એવોર્ડ એનાયત થયા હતા.
• રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયતઃ રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પાંચમી ફેબ્રુઆરીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૨મા પદવીદાન સમારોહ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવાની સાથે અંતરિક્ષ આયોગ અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ પદ્મશ્રી એ. એસ. કિરણકુમારને કૃષિ યુનિ. દ્વારા ડોક્ટર ઓફ સાયન્સની પદવી એનાયત કરી હતી.
• એનઆરઆઈ બાબુભાઈ સાથે સંબંધીની રૂ. ૧૫ લાખની છેતરપિંડીઃ મૂળ આણંદના એનઆરઆઈ બાબુભાઈ પટેલ સાથે કૌટુંબિક સંબંધ વધારીને આણંદના હિરેનભાઈ પટેલે બાબુભાઈને વિશ્વાસમાં લઈને ભારતમાં વર્ષ ૨૦૦૬થી વિવિધ એનઆરઆઈ અને એનઆરઓ ખાતાં ખોલાવી આપ્યાં હતંા. આ ખાતાઓમાં રૂ. વીસ લાખનું રોકાણ કરાવ્યું હતું. તાજેતરમાં હિરેનભાઈએ બાબુભાઈના બચત ખાતામાંથી રૂ. ૨૦ લાખ ઉપાડી લીધા હતા. જેમાંથી રૂ. પાંચ લાખ પરત આપ્યા અને રૂ. ૧૫ લાખ પરત નહીં આપી વિશ્વાતઘાત અને છેતરપિંડી કરી હતી.