ગાંધીનગર: કોંગ્રેસમાં પરેશ ધાનાણી સામે જે ચૂંટણી લડે તે હારે તેવી અમરેલીમાં બંધાયેલી ધારણા છેવટે અમરેલીમાં જ ધૂળધાણી થઈ ગઈ છે. ભાજપના પરસોત્તમ રૂપાલા, દિલિપ સંઘાણી અને છેલ્લે બાવકુ ઉંધાડને હરાવનારા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલીમાં હરાવીને ભાજપના નારાયણ કાછડિયા જાયન્ટ વિનર બન્યા છે. ખામ થિયેરીથી કોંગ્રેસનો અજય ગઢ તરીકે જાણીતા આણંદ લોકસભામાં ભાજપે ઉતારેલા નવા ઉમેદવાર મિતેષ પટેલે ભરતસિંહ સોલંકીનું રાજકારણ પૂરું કરી નાંખ્યું છે.
પૂર્વ મુખ્ય પ્રધાનનાં પુત્ર ભરતસિંહને હવે કોંગ્રેસ ચૂંટણી લડવા ટિકિટ આપે તો જ નવાઈ! સોલંકીની જેમ વંશવાદી રાજકારણથી જાહેરજીવનમાં ઉતરેલા તુષાર ચૌધરી બીજી વખત બારડોલી લોકસભામાં હાર્યા છે. એક વખતે કોંગ્રેસમાં તેમના હાથ નીચે તૈયાર થયેલા પ્રભુ વસાવાએ ફરીથી ગુરુને હારનો સ્વાદ ચખાડતા બારોડોલીમાં હવે ચૌધરીનું રાજકારણ જ પૂરું થઈ ગયાનું કહેવાય છે. આ ત્રણ જાયન્ટ વિનરો ઉપરાંત બે દાયકાથી કોળી વોટબેંક આધારિત રાજકારણ કરનારા કોંગ્રેસના સોમાભાઈ પટેલને પણ પહેલીવાર ચૂંટણી લડી રહેલા ડો. મહેન્દ્ર પટેલે હારાવીને જાયન્ટ વિનર તરીકે ઉભર્યા છે. નવસારીથી ૬.૫૮ લાખની લીડથી જીતે સી. આર. પાટીલ પણ ભાજપના જાયન્ટ વિનર રહ્યા છે.