આણંદ: શહેરની અપરા હોસ્પિટલમાં પલાણાના ૬૫ વર્ષના વૃદ્વને કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતાં. ૨૬મી ડિસેમ્બરે સવારે દર્દીના નાકમાંથી ઓક્સિજનની પાઇપ નીકળી જતાં તેઓએ બેલ મારવા છતાં નર્સ કે સ્ટાફ આવ્યા નહોતાં. દર્દીને ઓક્સિજનનું લેવલ ઘટી જતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ સંબંધીઓને થતાં દવાખાનમાં હોબાળો મચાવ્યો હતો.
દર્દીના સંબંધી વિપુલભાઇએ જણાવ્યું હતું કે, ૨૬મીએ સવારના અરસામાં ભુપેન્દ્રભાઇ પટેલની ઓક્સિજનની પાઇપ કોઇક રીતે નીકળી જતાં ભૂપેન્દ્રભાઇએ તેઓના બેડ પર મૂકેલી બેલ મારી હતી અને હોસ્પિટલ નર્સિંગ સ્ટાફને બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના પાંચ માણસ હાજર હતા. તેમ છતાં એક પણ માણસ તેમની પાસે ફરક્યો નહીં. ભૂપેન્દ્રભાઇ પટેલની તબિયત લથડતી ગઇ હતી. તેમણે આખરી ઉપાય તરીકે પોતાની પાસેના ફોન પરથી ઘરે સંપર્ક કર્યો અને પોતાની ઓક્સિજનની પાઇપ નીકળી ગઇ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ભૂપેન્દ્રભાઇનું ઓક્સિજનનું લેવલ સતત ઘટતું જતું હતું. આખરે પરિવારજનોએ હોસ્પિટલમાં તેમના એક સંબંધીને જાણ કરી હતી તેમણે તાત્કાલિન નર્સને જાણ કરતા નર્સ અને ડોક્ટર ભુપેન્દ્રભાઇ પાસે પહોંચ્યા હતા. પરંતુ આ બધામાં ૩૦ મિનિટ જેટલો સમય જતો રહેતા ભુપેન્દ્રભાઇનું મૃત્યું થઇ ગયું હતું.