ગોધરાઃ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલો અને ગોધરામાં રહેતો યુવાન આફ્રિકામાં સોનાની ખાણ શોધવાની અનોખી કામગીરી સાથે સંકળાયેલો છે. તેના પિતા અને ભાઈ પણ આ જ કંપની સાથે સંકળાયેલા છે. ગોધરાના વોહરવાડ ખાતે રહેતા શબ્બીર ખૂજેમા દલાલે માસ્ટર ઓફ જીઓલોજીસ્ટની ડિગ્રી મેળવ્યા બાદ આફ્રિકામાં સ્થાયી થયા છે.
શબ્બીરભાઇ સેન્ટ્રલ આફ્રિકા ઉપરાંત દુનિયાના અનેક દેશો જેવા કે તુર્કી, ઘાના, કેન્યા, મોઝામ્બિક, ઝિમ્બાબ્વે, મલાવી, યુગાન્ડા, શ્રીલંકા, તાન્ઝાનિયા, રવાન્ડામાં મહિનાઓ સુધી રઝળપાટ કરીને સોનાની ખાણની શોધ કરી ચૂક્યા છે. હાલ શબ્બીરભાઇ તેમની ટીમના સભ્યો સાથે યુગાન્ડા - ટાન્ઝાનિયા ખાતે સોનાની ખાણની શોધ કરે છે. તેઓ છેલ્લાં 12 વર્ષમાં સેન્ટ્રલ આફ્રિકાના અનેક દેશોમાં ફરીને સોનાની ખાણોની શોધખોળ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે આફ્રિકાની આદિજાતિ મસાઈ જાતિના લોકો ઘણા ઈમાનદાર અને મહેનતુ હોય છે. તેઓ આ કામગીરી સરળતાથી કરી જાણે છે. શબ્બીર પણ આ સમુદાય સાથે મળીને કામ કરે છે.
શબ્બીરભાઇ કહે છે કે આફ્રિકાની સરકાર દ્વારા જંગલોની 5 હજાર હેકટર જમીનમાં સોનું શોધવાની કામગીરી અમને સોંપવામાં આવે છે. હું ત્યાંથી માટીના સેમ્પલોનું નિરીક્ષણ કરીને આફ્રિકા સરકારને રિપોર્ટ કરું છું કે આ સ્થળે આટલું સોનું કે અન્ય ખનીજ નીકળશે. આ પછી સરકાર પરમિશન આપે એટલે કામગીરી શરૂ કરવામાં આવે છે.