વડોદરાઃ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂ. ઇન્દિરાબેટીજી (જીજી)ની કરોડોની સંપત્તિ માટે ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરામાં માંજલપુરમાં આવેલી વ્રજધામ હવેલી પાછળના ઇન્દિરાબેટીજીનું મકાન રૂ. ૮૨ લાખમાં બારોબાર વેચી મારનાર ત્રિપુટી પૈકી સમા શાહ અને સેજલ દેસાઇની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દિલ્હી સ્થિત ધર્મેશ મહેતાની શોધખોળ ચાલુ છે.
વડોદરાના સયાજી હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કમળાબહેન લાડે તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે થોડા દિવસ અગાઉ વડોદરા પોલીસ કમિશનરને અરજી આપી હતી. ઇન્દિરાબેટીજીના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સમા શાહ, સેજલ દેસાઇ અને ધર્મેશ મહેતા દ્વારા તેમની સાથે છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. જે અરજીની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી. જે તપાસમાં સમા શાહ, સેજલ શાહ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ મહેતાની પ્રથમ દૃષ્ટીએ સંડોવણી જણાઇ આવતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો હતો. જે પૈકીના વડોદરામાં રહેતા સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરી હતી.