ઈન્ડિયન નેવીની માહિતી પાકિસ્તાનને પહોંચાડવાના આરોપમાં ગોધરાના રિક્ષાચાલકની ધરપકડ

Wednesday 23rd September 2020 06:20 EDT
 
 

ભરૂચ: વિશાખાટ્ટનમ જાસૂસી કેસમાં એનઆઇએએ ગોધરાના રિક્ષાચાલક ઇમરાન ગિતેલીની ધરપકડ ૧૫મી સપ્ટેમ્બરે કરી છે. ગિતેલીના ઘરમાંથી ડિજિટલ ડિવાઇસ સહિત અનેક મહત્વના દસ્તાવેજો મળ્યાં છે. નેવી અને સબમરીનની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન આઇએેસઆઇ સુધી પહોંચાડનાર ગિતેલીએ તેના બેંક ખાતામાંથી નેવીના બે ખલાસીઓને રૂ. ૫ હજાર અને રૂ. ૪ હજાર મળી કુલ રૂ. ૯ હજાર ટ્રાન્સફર કર્યાં હોવાનું પણ ખૂલ્યું છે. ગિતેલી પાકિસ્તાની આઈએસના ઇશારે ભારતીય નેવીના કર્મચારીઓના બેંક ખાતાઓમાં રૂપિયા જમા કરાવતો હોવાના અહેવાલ છે. ઇમરાન મુંબઇના એજન્ટ પાસેથી રોકડ નાણાં લાવીને પોતાના ખાતામાં ભરીને નેવી અધિકારીને અને ખલાસીઓના ખાતામાં ટ્રાન્સફર કરતો હોવાનું ચર્ચાય છે. એનઆઇએની ટીમે તાજેતરમાં ગોધરા એસઓજીની મદદથી ગિતેલીની ધરપકડ કરી અને તેને હૈદરાબાદ લઇ જવાયો હતો. ગિતેલીના ઘરેથી દસ્તાવેજો સાથે બે પાકિસ્તાની સીમકાર્ડ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધંધાના બહાને પાકિસ્તાનના આંટાફેરા
ઇમરાન વિશે ખૂલ્યું છે કે, તે તેનાં માતા-પિતા, ભાઇ અને પત્ની અને ૪ સંતાન સાથે રહેતો હતો. તેના કેટલાક સંબંધી પાકિસ્તાનમાં રહેતા હોવાથી ઇમરાને પાકિસ્તાનના ૫થી ૬ ફેરા માર્યાં છે. તે પાકિસ્તાનથી રેડીમેડ કાપડ મંગાવીને વેચાણ કરતો હતો. ગોધરામાં સ્થાનિકોને તે ફક્ત રિક્ષાચાલક જ હોવાની ખબર હતી. પરિવાર પણ અજાણ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
અગાઉ ૫ લાખ ટ્રાન્સફર
જાસૂસી કાંડમાં એનઆઇએએ ગોધરા એસઓજીને ઇમરાન પર વોચ રાખવા જણાવ્યું હતું. એક મહિના પહેલાં જ એનઆઇએએ ગોધરા આવીને ઇમરાનનું નિવેદન લીધું હતું અને તપાસ કરતાં તેના ખાતામાંથી આશરે રૂ. ૫ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાઇ હોવાની માહિતી મળતાં તેની ધરપકડ થઈ છે.
ગોધરાના ૫૦થી વધુ પર નજર
ઇમરાનના જાસૂસી કાંડ બાદ હાલમાં ગોધરાના ૫૦થી વધુ લોકો પોલીસના રડારમાં હોવાનું ચર્ચાય છે.
પાકિસ્તાનની મહિલાઓ બ્લેકમેલ કરતી
નેવીના કેટલાક કર્મચારી સોશિયલ મીડિયાથી પાકિસ્તાની મહિલાઓના સંપર્કમાં આવ્યાં હતાં. આ મહિલા જાતીય ચેટ કરીને તેમને ફસાવતી અને બ્લેકમેલ કરીને સંવેદનશીલ માહિતી આપવા મજબૂર કરતી હતી. ઇમરાન ગિતેલી પોતાના નામનું પણ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતો હતો. જેમાં મનમોહક યુવતીઓના ફોટો અપલોડ કરેલા છે. ઇમરાન ગિતેલીના ફ્રેન્ડ લિસ્ટમાં અનેક પાકિસ્તાનીઓ પણ જોડાયેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter