વડોદરાઃ કોલકાતા ખાતે યોજાયેલી ઈન્ડિયન રોબોટ ઓલિમ્પિયાડની અન્ડર ૧૩ કેટેગરીમાં વડોદરાના છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થી પ્રહર્ષ પટેલ અને ચોથા ધોરણના વિદ્યાર્થી હૃદય પરીખની ટીમે પહેલું સ્થાન મેળવ્યું છે. દેશભરમાંથી ૬૦ ટીમે ભાગ લીધો છે. રોબોટ ઓલિમ્પિયાડની ફાઈનલના ત્રણેય રાઉન્ડમાં પ્રહર્ષ અને હૃદયે પરફેક્ટ ૧૦૦માંથી ૧૦૦નો સ્કોર કરીને ઈતિહાસ સર્જયો હતો. હવે વડોદરાના આ બંને વિદ્યાર્થીઓ નવેમ્બરમાં દિલ્હી ખાતે યોજાનારી વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઈન્ડિયન રોબોટ ઓલિમ્પિયાડનું આયોજન ભારત સરકારની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવતું હોય છે. સ્પર્ધામાં ભાગ લેવા માગતા વિદ્યાર્થીઓએ છ મહિના પહેલાં જ રોબોટ્સ બનાવવાનું કહી દેવામાં આવે છે. પ્રહર્ષ અને હૃદયે પોતોના રોબોટિક્સ શિક્ષક બિન્દ મુકેશના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી મહિનાથી રોબોટ બનાવવાનું શરૂ કરી દીધું હતું. સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી રિજનલ સ્પર્ધામાં તેઓ ફાઈનલ માટે ક્વોલિફાય થયા હતા.
ઈન્ડિયન રોબોટ ઓલિમ્પિયાડની આ વખતની થીમ સ્વચ્છ ભારત પરની હતી. વિદ્યાર્થીઓએ બનાવેલા રોબોટ્સે બોર્ડ પરથી કચરો દૂર કરવાની કામગીરી કરવાની હતી. પ્રહર્ષ અને હૃદયે બનાવેલા રોબોટે આ કામગીરી સૌથી ઝડપથી અને સૌથી સારી રીતે પૂરી કરી હતી.