વડોદરાઃ બ્રેઈન સ્ટ્રોક આવતાં બેંકરહાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સારવાર લઈ રહેલાં વૈષ્ણવાચાર્યા ઇન્દિરા બેટીજી (જીજી) તબીબોની સઘન સારવાર અને શ્રદ્ધાળુઓની પ્રાર્થનાથી પુનઃસ્વસ્થ થઈ રહ્યાં છે એવું ઉતરાધિકારી વ્રજરાજ કુમારજીએ ૧૦મી ઓગસ્ટે જણાવ્યું હતું. તેમણે ભક્તોને ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, બ્રેઇન ડેમેજનાં કેસમાં દર્દીને રિકવરી ક્યારે આવશે? એ મેડિકલ સાયન્સ પણ ચોક્કસ કહી શકતું નથી. છતાં ડો. દર્શન બેંકર અને પારૂલ બેંકરની ટીમની મહેનતથી જીજીની તબિયત સારી થઈ રહી છે. તબીબો રાઉન્ડ ધ કલોક જીજીની સારવાર કરી રહ્યાં છે. મેડકલ અને સ્પિરિચ્યુઅલ સાયન્સના બળથી પવિત્ર શ્રાવણ મહિનામાં જીજી અર્થાત શ્રાવણી પુનઃ સ્વસ્થ થઈ રહ્યાં છે.
ડો. દર્શન બેંકરે જણાવ્યું હતું કે, જીજીના અન્ય અવયવો વ્યવસ્થિત કાર્યરત છે જ્યારે બ્રેઇન ફંક્શન નોર્મલ કરવાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. બ્રેઈનનું ફંકશન કોમ્પ્રોમાઇઝ થયું છે. તેની રિકવરી માટે પ્રયાસો ચાલુ છે. હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લવાયા બાદ જીજીની હાર્ટની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને હાલમાં કિડની અને લીવર કામ કરતા થઈ ગયા છે. હાલ જીજી વેન્ટિલેટર પર છે. વેન્ટિલેટરની ટયૂબ બદલવા ઉપરાંત ટ્રેઇકોસ્કોનોમી કરાઈ છે. અત્યાર સુધી જીજીને કોઈ મેજર ઇન્ફેક્શન થયું નથી.