વડોદરાઃ પાણીગેટ પાણીની ટાંકી પાછળની ઓમનગર સોસાયટીમાં રહેતી માયુષી ભગત ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. છેલ્લા એક મહિનાથી માયુષી અમેરિકાના જર્સીસિટીમાંથી રહસ્યમય સંજોગોમાં લાપત્તા હોવાનું યુવતીના પરિજનો જણાવે છે. વિકાસ ભગતની પુત્રી માયુષીએ વાઘોડિયા રોડ પરની જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાનું એજ્યુકેશન મેળવ્યું એ પછી વડોદરા ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં ડિગ્રી મેળવી હતી. માસ્ટર્સની ડિગ્રી લેવા સ્ટુડન્ટ વિઝા (એફ-૧) મેળવીને અમેરિકા ગઈ હતી. માયુષીએ પ્રથમ યુનિ. ઓફ ન્યુ હેમ્પશાયરમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે થોડા મહિના બાદ તેણે ન્યૂ યોર્કમાં ન્યૂ યોર્ક ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવી લીધું હતું.
ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ
માયુષીને ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ ખુબ રુચિ હતી. તે વડોદરામાં એરિક્શન કંપનીમાં નોકરી પણ કરી હતી. જોકે ઈલેક્ટ્રોનિક્સના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. માયુષીએ અમેરિકા જઈને ઈલેક્ટ્રિકસ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ સાયન્સ કર્યું હતું અને આ ક્ષેત્રમાં વધુ અભ્યાસના આશયથી તેણે ઈલેક્ટ્રીકલ એન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ન્યૂ યોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો હતો. અમેરિકાના લેન્કેશાયરમાં વસવાટ કર્યા બાદ તે છેલ્લે જર્સીસિટી રહેવા ગઈ હતી.
એક માસથી કોઈ સંદેશ નહીં
અમેરિકામાં એનઆરઆઇ અને તેમાં પણ સૌથી વધુ ગુજરાતી વસતિ ધરાવતા જર્સી ખાતે રહેતી માયુષી ૨૯ એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. માયુષીની પરિજનો તથા મિત્રોએ તેની રાહ જોયા બાદ આખરે જર્સી સિટી (ઇસ્ટ) પોલીસમાં પહેલી મેના રોજ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. માયુષીના પાણીગેટનું નિવાસસ્થાન પણ બંધ છે તેથી મનાય છે કે તેના વાલીઓ પણ પુત્રીની ખબર મેળવવા અમેરિકા ગયા હોઇ શકે!