ઉમરેઠઃ ચોકસી બજારમાં આવેલી નારાયણ જવેલર્સ પેઢી તથા ફાયનાન્સ કંપનીએ તાજેતરમાં ઊઠમણું કરતાં એક્સિસ બેંક સહિત અનેકોના નાણા ડૂબી ગયાં છે. નારાયણ જ્વેલર્સ દ્વારા આણંદ કોર્ટમાં અરજી કરાઈ હતી કે ૭૩ રોકાણકારો તથા ૨ બેંકોના નાણાં ચૂકવવા માટે તે નાદારી નોંધાવે છે.
આ અરજીના આધારે જણાયું છે કે ઉમરેઠ પંથક તથા અન્ય શહેરોના ખેડૂતો, વેપારીઓ નાના રોકાણકારો તથા ૨ બેંકોના કુલ રૂ. ૧૫૦ કરોડથી વધારે સલવાયાની આશંકા છે. સામાન્ય રીતે બેંક તથા સરકારી સંસ્થાઓ ફિક્સ ડિપોઝીટ ઉપર છ ટકાના વાર્ષિક દરથી વ્યાજ આપતી હોય છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ધમધોકાર ચાલતી ઉમરેઠની આ પેઢીએ ફિક્સ ડિપોઝીટ ઉપર વાર્ષિક બાર ટકાના દરે વ્યાજની લાલચ આપી લોકો પાસે ફિક્સ મુકાવવાનુ ચાલુ કર્યું હતું.
છેલ્લા છ માસથી બજારમાં એવી વાત વહેતી થઈ હતી કે આ પેઢીની સ્થિતિ કથળી રહી છે તેથી રોકાણકારો પોતાના નાણાની ઉઘરાણી કરતા હતા, જોકે પેઢીના સંચાલકો બહાના બતાવીને કે ચેક આપીને રોકાણકારોને રોકી રાખતાં હતાં. મે મહિનાના પહેલા સપ્તાહથી આ પેઢીને તાળા વાગી જતાં રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. એ પછી પેઢીના સંચાલકો દ્વારા કોર્ટમાં નાદારી નોંધાવતી અરજી કરતાં રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યાં છે.
ઉમરેઠનો પટેલ સમાજ મુખ્યત્વે ખેતી ઉપર ગુજરાન ચલાવે છે. કેટલાકે પોતાની જમીન વેચીને બધા નાણા આ પેઢીમાં ફિક્સમાં મૂક્યા હતા. તે ખેડૂતો ચિંતામાં છે.
વધુ વ્યાજની લાલચ
સરકાર દ્વારા ખેડૂતોને ચાર ટકાના વાર્ષિક વ્યાજના દરે ખેતી માટે ક્રોપ લોન મળે છે. ઉમરેઠના કેટલાક ખેડૂતોએ ક્રોપ લોન લઇને નારાયણ જવેલર્સમાં બાર ટકાના વાર્ષિક વ્યાજથી ફિક્સ ડિપોઝીટ મૂકી હતી.
બેંકો દ્વારા બે માસ અગાઉ ધિરાણ
છેલ્લા છ માસથી વાત હતી કે નારાયણ જ્વેલર્સની આર્થિક સ્થિતિ સારી નથી છતાં ઉમરેઠની બે બેંકોએ આ પેઢીને કરોડો રૂપિયાનું ધીરાણ છેલ્લા બે માસમાં કર્યું જેથી બેંકોની કરોડોની રકમ પણ સલવાઇ છે. ઉપરાંત આ બંને બેંકના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે.