ઉમરેઠ શહેરના ચંદ્રમૂળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે અષાઢી તોલવામાં આવે છે. આ પ્રક્રિયાના આધારે આવનાર વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી થાય છે. ૧ ઓગસ્ટે સવારે મંદિરમાં ટ્રસ્ટીઓ, પંચો, આગેવાનો તથા ખેડૂતોની ઉપસ્થિતિમાં અષાઢી તોલવામાં આવી હતી. જેમાં ચાલુ વર્ષ ખેતી માટે સારું રહેશે અને પાકનો ઉતારો સારો રહેવાનો વર્તારો આવતા ખેડૂતો સહિત તમામ લોકોમાં ખુશી વ્યાપી હતી. આ ક્રિયા માટે વિવિધ ધાન્યની પોટલીઓ બનાવીને તેને માટીના એક ઘડામાં મૂકીને મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી. બીજા દિવસે આ ઘડો બહાર કાઢીને વિવિધ પોટલીઓમાં મુકેલું અનાજ તોલવામાં આવ્યું હતું. જેમાં અડદ સિવાય અન્ય ધાન્ય પાકનો ઉતારો સારો રહેવાનો વર્તારો આવ્યો હતો. અનાજમાં સૌથી વધારે ૩૯ તલમાં આવતા તલનો પાક મબલખ ઉતરશે.
• વડોદરામાં પાટીદાર સંમેલનઃ પાટીદાર અનામત આંદોલનના અનુસંધાને વડોદરામાં ૪ ઓગસ્ટે સંમેલનનું આયોજન થયું હતું. જેમાં ડભોઈ, કરજણ, પાદરા, સાવલી અને વાઘોડીયા તાલુકાના પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા.
• સૈયદના સાહેબ દાહોદમાંઃ દાહોદમાં ૧ ઓગસ્ટે દાઉદી વ્હોરા સમાજના ૫૩મા ધર્મગુરુ પધારતા મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.