આણંદઃ ભારતમાં ઉત્તર પ્રદેશમાં આવેલા કાશી અને ગુજરાતના ઉમરેઠમાં વરસાદના વરતારા જોવાની એક સરખી પ્રથા જોવા મળે છે. જેને અષાઢી તોલવાની પ્રથા કહેવામાં આવે છે. સમયાંતરે કાશીમાં આ પ્રથા લુપ્ત થઈ ગઈ, પણ આણંદ જિલ્લાના ઉમરેઠમાં આ પ્રથા ૨૦૦ વર્ષથી ચંદ્રમૌલીશ્વર મહાદેવના મંદિરમાં યથાવત છે. આ વર્ષે કયા ધાન્યનો સૌથી વધારે પાક થશે? તેનું અનુમાન અષાઢી તોલવાની વિધિના આધારે લગાવાય છે. આ અષાઢી તોલવાના અવસરે નગરના સરકારી અધિકારી, ચોકસી, અનાજના વેપારી એક્ઠા થાય છે. અંગ્રેજો સમયના એરવર્ડ સિક્કાના વજન પ્રમાણે ધાન્ય જેવા કે, મગ, જુવાર, ડાંગ, તલ, કપાસ, બાજરી અને માટીનો તોલ કરવામાં આવે છે.
અષાઠ સુદ પૂનમના દિવસે લોકોની સમક્ષ અનાજ, કઠોળ અને માટી જેવા ૧૦ તત્ત્વોને એક તોલા પ્રમાણે તોલીને સફેદ કાપડમાં જુદી જુદી પોટલી બનાવીને માટીના ઘડામાં મૂકવામાં આવે છે. પાંચ સાક્ષીઓની હાજરીમાં આ ઘડાને મંદિરના ગોખમાં મૂકીનો તાળુ મારવામાં આવે છે. બીજા દિવસે આજ પાંચ લોકોની સાક્ષીમાં તાળું ખોલવામાં આવે છે અને દરેક ધાન્યને ફરીથી તોલવામાં આવે છે. વસ્તુના વજનમાં થતાં કુદરતી ફેરફારના આધારે આ વર્ષે કયું ધાન્ય વધારે પ્રમાણમાં પાકી શકે? એનું અનુમાન લગાવવામાં આવે છે. ખેડૂતો વધુ વજન ધરાવતા કઠોળ કે ધાન્યને વધારે વાવણી કરે છે.