વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટર એવરેસ્ટ સર કરનારા ભારતનાં પ્રથમ દંપતી ચેતના રાણા શાહુ તથા તેમનાં પતિ પ્રદીપ શાહુનો સન્માન સમારોહ આણંદમાં ઈરમા ખાતે ૧૬મી જુલાઈએ હતો. ચેતનાનો ઉછેર અને ભણતર આણંદમાં જ થયું છે. આ સમારોહમાં ધારાસભ્ય રોહિતભાઈ પટેલ, સરદાર પટેલ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. હરિશ પાઢ તથા સ. પ. એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ સહિત અનેક અગ્રણી હાજર હતા. આ કાર્યક્રમમાં એવરેસ્ટ શિખર પર અમૂલ કંપનીનું જે બેનર દંપતીએ શો કર્યું હતું તે બેનર આર એસ સોઢીને દંપતી દ્વારા પાછું સોંપવામાં આવ્યું હતું.
• અમૂલ આઇસ્ક્રિમનું દૈનિક ૭ લાખ લીટરનું ઉત્પાદનઃ ડેરી પ્રોડક્ટમાં અગ્રણી કંપની અમૂલ ભારતની સૌથી મોટી આઇસ્ક્રિમ બ્રાન્ડ બની છે. અમૂલ દ્વારા હરિયાણામાં રોહતક ખાતે તાજેતરમાં આઇસ્ક્રિમ પ્લાન્ટનો પ્રારંભ કરાયો છે. જેથી અમૂલની આઇસ્ક્રિમ ઉત્પાદન ક્ષમતા દૈનિક સાત લાખ લીટર સુધી પહોંચી ગઇ છે. અમૂલ આઇસ્ક્રિમ સેગમેન્ટમાં ૪૦ ટકા બજાર હિસ્સો ધરાવે છે જે હરીફ કંપનીઓ કરતાં ત્રણ ગણો વધુ હોવાનું કહેવાય છે. સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂ. ૧૨૫ કરોડનું મૂડીરોકાણ રોહતક પ્લાન્ટ દૂધ અને દૂધની અન્ય પેદાશોની દૈનિક દસ લાખ લીટરની ક્ષમતા ધરાવે છે. જેમાં હવે વધારાની દૈનિક એક લાખ લીટર આઇસ્ક્રિમ ઉત્પાદનની ક્ષમતા ઉમેરાઇ છે. જેના માટે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂ. ૧૨૫ કરોડનું મૂડીરોકાણ કરાયું છે.
• આણંદમાં શંકાસ્પદ કબૂતર મળ્યુંઃ પેટલાદ તાલુકાના પંડોળી ગામેથી ૧૬મી જુલાઈએ શંકાસ્પદ કબૂતર મળી આવ્યું હતું. આ કબૂતરની પાંખો ઉપર અરબી લાગતી ભાષામાં લખાણ હતું અને કબૂતરના બંને પગે ટેગ હતાં. પોલીસ અને ગુપ્તચર વિભાગે આ ઘટનાને દેશવિરોધી તત્ત્વો કે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા વચ્ચેનો સંદેશાવ્યવહાર હોવાની શંકા સેવી છે. આ કબૂતર શનિવારના રોજ ઉડીને માધવપુરામાં રહેતાં રાજુભાઈ ભૂપતભાઈ સોલંકીના ઘરે આવ્યું હતું. કબૂતર બીમાર હાલતમાં જણાતું હોવાથી રાજુભાઇ સારવાર માટે તેને પેટલાદ પશુ દવાખાનામાં લઇ ગયા હતા. જોકે, કબૂતર શંકાસ્પદ જણાતાં ડો. દશરથભાઈએ પેટલાદ રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી.
• SP યુનિ.ના સમાજશાસ્ત્રના HOD લાંચ લેતાં ઝડપાયાઃ સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં પીએચડી કરતા એક વિદ્યાર્થીએ રથયાત્રાના દિવસે એસીબીની ટોલ ફ્રી નંબર પર ફોન કરીને પીએચડી કરાવી આપવા માટે સરદાર પટેલ યુનિ.ના હિતેશ એન. પટેલ દ્વારા રૂ. છ લાખની લાંચ માગી હોવાની વિગતો આપી હતી. જોકે, આખરે સોદાની પતાવટ રૂ. ત્રણ લાખમાં થઈ હતી. આ અંગે તેણે કહ્યું કે, પ્રોફેસરને અગાઉ પણ રૂ. ૨.૧૦ લાખ આપ્યા હતા તેમજ હાલમાં પણ તેઓ માગણી કરી રહ્યા હોવાના તમામ પુરાવા આપ્યા હતા. જોકે, બાકીના રૂ. ૯૦ હજાર સોમવારે આપવાના હોવાનું તેણે જણાવ્યું હતું. જેને પગલે ગાંધીનગરની એક ટીમ સોમવારે સવારથી યુનિવર્સિટીના કેમ્પસમાં આવી હતી. દરમિયાન પ્રોફેસર સમયે લેક્ચરમાં હોઈ તેઓ બપોરે દોઢ કલાકે આવ્યા હતા. પૈસા ગણીને તેઓ જતા હતા ત્યારે ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યા હતા.
• સમરજીત સિંહને હટાવી જીતેન્દ્ર પટેલ BCAના નવા પ્રમુખઃ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ૧૯મીની બેઠકમાં પ્રમુખ સમરજીત સિંહ ગાયકવાડ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. એ પછી વિરોધ વચ્ચે સમરજીત સિંહ મિટિંગ છોડીને જતા રહ્યા હતા. તેમની સાથે તેમના ટેકેદારોએ પણ વોક આઉટ કર્યો. એ પછી રિવાઇવલ જૂથે મિટિંગ ચાલુ રાખી અને એજન્ડા પ્રમાણેના ઠરાવો સર્વાનુમતે પાસ કર્યાં હતાં અને સર્વાનુમતે ઠરાવ પાસ કરીને જીતેન્દ્ર પટેલ (પોપ)ને બીસીએના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા.