વડોદરાઃ આણંદનાં ચેતના રાણા (શાહુ)ના માઉન્ટ એવરેસ્ટ સર કરવાના બબ્બે વારના નિષ્ફળ પ્રયત્નો પછી ત્રીજા પ્રયત્નમાં ૧૯મી મેએ એવરેસ્ટ શિખર સર કર્યું હતું. ચેતનાએ પતિ પ્રદીપ શાહુ સાથે હિમાલય સર કર્યો છે. ચેતના રાણા (શાહુ) અને પ્રદીપ શાહુ ૫૦ વર્ષની વયે સૌથી મોટી ઉંમરમાં એવરેસ્ટ સર કરનાર પ્રથમ દંપતી છે. લગ્ન પહેલાં ચેતનાએ ગુજરાત સરકારની જૂનાગઢમાં આવેલી પર્વતારોહણ સંસ્થામાં પર્વતારોહણની તાલીમ શરૂ કરી હતી. તેમાં સફળતા મળતાં ઈન્સ્ટ્રક્ટર તરીકે તે કામ કરતાં હતાં.
મૂળ ઓરિસ્સાના પર્વતારોહક પ્રદીપ શાહુ સાથે લગ્ન કર્યા બાદ તાતા કંપનીમાં કલકત્તા ખાતે સ્થાયી થયેલા દંપતી માટે પર્વતારોહણ જીવનનો મહત્ત્વનો ભાગ હતો. અગાઉ ૨૦૧૪માં દંપતીએ એવરેસ્ટ ચઢાણ કરવાની તમામ તૈયારીઓ પૂરી કર્યા પછી એવરેસ્ટ સર કરવા આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં બરફની શીલા ધસી પડી હતી અને તેમાં ૧૩ શેરપાના મોત થયા હતા તેથી એવરેસ્ટ અભિયાન અધવચ્ચેથી અટકાવ્યું હતું. એ પછી ગયા વર્ષે પણ ભૂકંપને કારણે ઓથોરિટી દ્વારા એવરેસ્ટ સર કરવાના તમામ રસ્તા બંધ કરી હતા.