વડોદરાઃ જંબુસરના પરિવારની મીનાક્ષી વાળંદે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પછી તાજેતરમાં પુત્રીને જન્મ આપ્યો છે. ૩૨ સપ્તાહની પ્રેગ્નેન્સી સાથે ૧૭-૧૮ ઓક્ટોબરની મધ્ય રાત્રિએ ૧૨.૧૨ વાગે મીનાક્ષીએ પૂણેના નર્સિગહોમમાં સિઝેરિયન દ્વારા પુત્રીને જન્મ આપ્યો હતો.
પ્રત્યારોપણ કરાયેલા ગર્ભાશયથી માતૃત્વ મેળવનારી મીનાક્ષી ભારતની અને એશિયાની પ્રથમ મહિલા બની છે. જે ગર્ભાશયમાં મીનાક્ષી જન્મી હતી તે જ ગર્ભાશયમાંથી બાળકીએ જન્મ લીધો છે. તેઓનું ૧૯ મે, ૨૦૧૭એ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને એપ્રિલમાં ગર્ભ મુકાયો હતો. જન્મ બાદ બાળકીને નિયોનેટલ આઇસીયુમાં ઓક્સીજન પર રખાઈ હતી. ૧૬ તબીબોની ટીમ દ્વારા આ ઓપરેશન કરાયું હતું.
મીનાક્ષી અને હિતેષ વાલનના લગ્નને ૯ વર્ષ થઈ ગયાં હતાં. આ લગ્નજીવનમાં તેમણે બાળકને નવમા મહિને ગુમાવવાનું દુ:ખ પણ સહન કર્યું છે. મીનાક્ષીને એ પછી પાંચ સર્જરી પણ થઈ, તેમાં એક સર્જરીમાં ગર્ભાશયમાં કાણું પડતાં તે હંમેશ માટે નકામું થઈ ગયું. બરોડાના તબીબોથી પણ તેનું સફળ ઓપરેશન ન થતાં તેને પૂણેની ગેલેક્સી કેર લેપ્રોસ્કોપિક હોસ્પિટલમાં પ્રયત્ન કરવાનું કહ્યું. ત્યાં ઇટાલીના વિખ્યાત તબીબે પણ તેના ગર્ભાશયની કોથળીને જેમ છે તેમ કરવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ રહ્યા. એ પછી ડો. શૈલેષ પૂંટમ્બેકરે ભારતમાં ક્યારેય ન થયું હોય એવું ઓપરેશન એટલે કે ‘ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ’નું સૂચન કર્યું. ગર્ભાશયની દાતા મીનાક્ષીની માતા બની હતી. ટ્રાન્સપ્લાન્ટ પહેલાં પરિવારે વિચારવા માટે ૨ મહિનાનો સમય લીધો હતો. અત્યાર સુધી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી દુનિયામાં કુલ ૧૧ બાળકોનો જન્મ થયો છે. તેમાંથી ૯ સ્વીડનમાં અને ૨ યુએસમાં છે. ૧૨મા બાળકે ભારતમાં દશેરાના દિવસે જન્મ લીધો.
ગર્ભાશય ૪૮ વર્ષ જૂનું
એપ્રિલમાં ગર્ભ પ્લાન્ટ કરાયા બાદ કોઇ પણ સમસ્યા વગર ગર્ભ રહ્યો હતો. ડો. શૈલેશ પૂંટમ્બેકર જણાવે છે કે, મીનાક્ષીને પ્રેગનેન્સીના ૩૨ અઠવાડિયા થતાં અમે સિઝેરિયન કરવાનો નિર્ણય કર્યો કારણ કે, માતાનું ગર્ભાશય ૪૮ વર્ષ જૂનું છે એટલે ગર્ભાશયમાં બહુ જગ્યા નહોતી, ૪૦ અઠવાડિયા બાળકનું ગર્ભમાં રહેવું અશક્ય હતું. ગર્ભાશય નસથી ના જોડાઇ શકે એટલે મીનાક્ષીને લેબર પેઇન પણ નહોતું થયું. મીનાક્ષી અને બાળકી સ્વસ્થ છે.