અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં પહેલી માર્ચ, ૨૦૦૨ના દિવસે ઓડ ગામમાં ૨૩ વ્યક્તિની જીવતા સળગાવીને હત્યા કરાઈ હતી. આ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે ૨૩ પૈકી ૧૯ને ૧૧મી મેએ દોષિત જાહેર કર્યાં છે.
અગાઉ સ્પેશયલ કોર્ટે ૨૩ લોકોને દોષિત જાહેર કર્યાં હતા. તેમાંથી ૧૮ને હત્યા કાવતરું અને રમખાણના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે બીજા પાંચ આરોપીઓને હત્યાના પ્રયાસના ગુનામાં ૭ વર્ષની સજા ફટકારી હતી. સજા પામેલા ૨૩ આરોપી પૈકી હરીશ પટેલનું અપીલની સુનાવણી દરમિયાન જેલમાં મૃત્યુ નીપજ્યું હતું. ડેઝિગ્નેટેડ કોર્ટે જેમને આજીવન કેદની સજા ફરમાવી હતી તે ૧૮ પૈકી ૧૪ દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. જ્યારે જે ૩ આરોપી સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતાં તેમને હાઈ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. હાઇ કોર્ટે જે દોષિતોએ ૭ વર્ષની સજા પૂરી કરી દીધી હોય તેમને છોડી મૂકવા પણ આદેશ કર્યો છે.
ફાંસીની માગ ફગાવી
સુપ્રીમ કોર્ટે રચેલી સીટ અને રાજ્ય સરકારે આજીવન કેદની સજા આપી હોય તેવા આરોપીને ફાંસીની સજા આપવા હાઇ કોર્ટમાં અપીલ કરાઈ હતી, પણ હાઈ કોર્ટે આ અપીલ ફગાવી દીધી છે.
હાઈ કોર્ટના અવલોકન
• ટોળા પર કોમી ઝનૂન સવાર થાય ત્યારે રમખાણો • આરોપીઓને ફાંસી આપવા પૂરતા કારણો નથી. • આરોપીઓ જેલમાંથી છૂટે તોય સુધરવાની સંભાવના ન જણાતી હોય તો તેને ફાંસી આપી શકાય • હિંસાના આ ઘૃણાજનક બનાવ પાછળ ટોળાની માનસિકતા દેખાય છે. જેણે નિર્દોષોના જીવ લીધા • જે લોકોની જીવતા સળગાવી દીધા હશે તેની પીડા વિશે અમે કોઈ કલ્પના પણ નથી કરી શકતા • આ ઘટનામાં જીવતા ભંુજાઈ ગયેલાના પરિજનોની સ્થિતિ અત્યંત દયનીય હશે જેઓ આ ઘટના નજરે જોવા છતાં હેલ્પલેસ હતાં. • આવી ઘૃણાજનક ઘટનામાં આરોપી અને પીડિતો બંનેની સ્થિતિ દયાનજક રહે છે સજા પામેલા આરોપીના પરિવારજનો જ્યારે તેમના સગાના જામીન મેળવવા હાથ જોડતા હોય છે ત્યારે એવું થાય છે કે કોઈપણ હત્યા, રમખાણો જેવા બનાવ પછી બંને તરફે દુઃખ સહન કરવાનો વખત તેમના કુટુંબીજનોને આવતો હોય છે.