અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ફાટી નીકળેલા કોમી રમખાણો પૈકીના આણંદ નજીકના ઓડ ગામમાં ત્રણ લોકોની હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપી નિર્દોષ છૂટ્યા છે. ડિસેમ્બર-૨૦૧૪માં ભારતમાં ડિપોર્ટ કરાયેલા ત્રણેય આરોપીઓને ખાસ કોર્ટના જજ એમ. એસ. ભટ્ટે શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કર્યા છે. અગાઉ ૪૪ આરોપીઓ પૈકીના ૧૦ આરોપીઓને ખાસ કોર્ટના જજ આર. એમ. શરીને દોષિત ઠેરવી નવ લોકોને આજીવન કેદ અને એક આરોપીને છ માસની કેદ ફટકારી હતી.
કોમી તોફાનો વખતે ગામમાં ભાગોળ પાસેના મલાવ તળાવ ખાતે પહેલી માર્ચે આયેશાબીબી, નૂરીબેગમ અને કાદરભાઈની કરપીણ હત્યા કરવાના કેસમાં ૧૧ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં મોહન ઉર્ફે શસીન રમેશ પટેલ, અંકુર શાપુર પટેલ, અને નિકુલ રાવજી પટેલનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ સામે સ્થાનિક પોલીસે કરેલી ચાર્જશીટ બાદ વિદેશ ભાગી છૂટ્યા હતા.
જે ત્રણેય આરોપીઓને તબક્કાવાર વિદેશથી ડિપોર્ટ કરાયા હતા. સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, ત્રણેય આરોપીઓની જાહેર મિલકતને નુકસાન, ત્રણેય મૃતકોની હત્યા કરવાના કેસમાં મહત્ત્વની ભૂમિકા, પુરાવાનો નાશ કરવાના કેસમાં સક્રિય ભૂમિકા ભજવી છે. કોર્ટે આ દલીલને ફગાવી હતી.