અમદાવાદઃ આણંદ જિલ્લાના ઓડ ગામે હત્યા કેસમાં સંડોવાયેલા અને જામીન મળ્યા પછી વિદેશ ભાગેલા ત્રણ આરોપી સામે સ્પેશિય ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ આરોપનામું ઘડ્યું છે. ઉલ્લેખનીય છે કે આઠ આરોપીઓ જામીન મળ્યા પછી વિદેશ ભાગી ગયા હતા. જેમાંથી પાંચની ભાળ મળતાં એસઆઇટીએ પ્રત્યારોપણ સંધીની કાર્યવાહી કરી હતી. જે પાંચ પૈકી ત્રણ સામે કાર્યવાહી કરવામાં એસઆઇટીને સફળતા મળી છે.
સૂત્રો કહે છે કે, વર્ષ ૨૦૦૨માં થયેલા ઓડ હત્યા કેસમાં વિવિધ બે ગુના દાખલ થયા હતા અને કુલ ૨૭ લોકોના મોત થયા હતા. આ કેસમાં કુલ ૯૫ આરોપીઓ હતા. જેમાંથી ૨૭ આરોપીને જનમટીપની સજા થઇ છે. પરંતુ આઠ આરોપીઓ એવા હતા કે જે તે સમયે જામીન મળ્યા પછી વિદેશ ભાગી ગયા હતા.
સન ૨૦૦૮માં નિમાયેલી એસઆઇટીએ તપાસ કરતાં હકીકત સામે આવી હતી. એસઆઇટીએ વિદેશ ગયેલા આરોપીને શોધી કાઢયા હતા. જેમાં અંકુર શાપૂર પટેલ (ઓસ્ટ્રેલિયા), શશીન રમેશ પટેલ (સિંગાપોર) અને નિકુલ રાવજી પટેલ (યુકે) ભાગી ગયા હોવાનું અખબારી અહેવાલમાં જણાવ્યું છે. એસઆઇટીએ પહેલાં તેમના વિરુદ્ધ રેડકોર્નર નોટિસ કઢાવી હતી અને ત્યારબાદ જે તે દેશ સાથે પ્રત્યાર્પણ કાર્યવાહી કરતાં ત્યાંથી પરત મોકલ્યા હતા અને પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને જેલમાં મોકલી આપ્યા હતા.
ગત ૧૯મી તારીખે આ ત્રણેય વિરુદ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી કરી હોવાનું એસઆઇટીના એસીપી બી. સી. સોલંકીએ અખબારી અહેવાલમાં જણાવ્યું હતું.