વડોદરાઃ ઓનલાઇન જાહેરાતો આપી અથવા લોકોએ સોશિયલ મીડિયામાં મૂકેલા મોબાઇલ નંબરો મેળવી તે નંબરના આધારે સંપર્ક કરી ઓનલાઇન પૈસા પડાવતી મુંબઇની ટોળકીને વડોદરા જિલ્લા એલસીબીએ આઠમી ઓગસ્ટે મુંબઇથી ઝડપી પાડી છે. વડોદરાના વેપારી સાથે રૂ. એક કરોડથી વધુ રકમ પડાવવાના ગુનામાં આંતરરાજ્ય ગુનાઓ આચરતા મુખ્ય સૂત્રધાર તેમજ એક દંપતી સહિત સાત સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
ભાયલીમા ગેલેક્સી બંગલોઝમાં રહેતા નાગેશ રૂગનાથ ઘુગરધરેએ નોકરી મેળવવા માટે મોબાઇલમાં લિંકડઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેના પર તેમણે પોતાના ફોટા અને બાયોડેટા મૂક્યા હતા.
આ બાયોડેટાના આધારે રોહન માણે, જોસેફ ડીસોઝા, રોશની મહેતા, રાઝજાદ બેગ અને નીલોફર બેગે નાગેશનો મોબાઇલથી સંપર્ક કર્યો હતો. આ લોકોએ નાગેશનો સંપર્ક કરીને ‘લા મેન પાવર સર્વિસિઝ’ની મેમ્બરશિપ અપાવવા લોભામણી લાલચો આપી હતી અને નાગેશ પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં રૂ. ૧.૦૮ કરોડ જેટલી રકમ ઓનલાઇન જમા કરાવી હતી. એ પછી આ રકમ પરત નહીં કરતા નાગેશે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું કે આ સાત લોકો સિવાય પણ આ કેસમાં સંડોવાયેલા લોકોની તપાસ ચાલી રહી છે.